• શનિવાર, 27 જુલાઈ, 2024

રૂપાલા વિરોધમાં રવિવારે રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે

સંમેલનમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહેશે : સંકલન સમિતિના અગ્રણી રમજુભા જાડેજા 

રાજકોટ, તા. 10 : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિષે કરેલા નિવેદન બાદ ઉઠેલો વિરોધ યથાવત છે. છેલ્લા એક પંખવાડિયાથી ચાલી રહેલું આ વિરોધ આંદોલન દિવસેને દિવસે વધુ વેગ પકડી રહ્યું છે ત્યારે હવે આગામી તા.14ને રવિવારે રાજકોટની ભાગોળે આવેલા રતનપર નજીક ક્ષત્રિયોનું મહાસમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ આ વિરોધ વચ્ચે પણ રૂપાલાએ ફરી એક વખત રાજકોટમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.

રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે અને આ સમગ્ર વિવાદ સામેની લડત માટે ભાવિ કાર્યક્રમો ઘડવા રાજપૂત સમાજની સંકલન સમિતિ બનાવવામાં આવી છે. આ સંકલન સમિતિના અગ્રણી રમજુભા જાડેજાએ ફૂલછાબ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  આગામી તા.14ને રવિવારે સાંજે પાંચ કલાકે શહેરની ભાગોળે આવેલા રતનપર રામજીમંદિર નજીક ક્ષત્રિય અસ્મિતા સંમેલન યેજાશે જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહેશે.

તેમણે ઉમેર્યુ હતું કે, આ સંમેલનમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ક્ષત્રિય યુવાનો સાથે મહિલાઓ પણ ઉમટી પડશે. સમેલનમાં ક્ષત્રિય સમાજની અલગ-અલગ 92 સંસ્થાના આગેવાનો અને હોદ્દેદારો ઉપરાંત સંતો-મંહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ હશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ધંધૂકા અને પાટણ ખાતે આ પ્રકારનું ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું, હવે રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની પ્રબળ માંગ સાથે આ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજના પ્રબળ વિરોધ વચ્ચે રૂપાલાનો ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે. સૂરત અને તમીલનાડુમાં ચૂંટણી પ્રચાર કરીને પરત આવ્યાં બાદ રૂપાલા આજે ફરી રાજકોટમાં પ્રચાર કાર્યમાં જોડાઈ ગયાં હતાં ચેટી ચાંદના પર્વને લઈને સિંધી સમાજના રાસલીલા સ્કૂટર રેલી આયોજનમાં તેઓ પહોચ્યાં હતાં. અહીં એ પણ નોંધનીય છે કે, આજે જ જામનગરના વોર્ડ નં.5માં આયોજિત ભાજપના એક પ્રચારલક્ષી કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા નારેબાજી અને ખુરશીઓનો ઉલાળિયો કરવામાં આવતાં દોડધામ મચી ગઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક