વેરિફિકેશનની
પ્રક્રિયામાં આધારને જોડવાનો વિચાર કરવા નિર્દેશ : 28મીએ વધુ સુનાવણી
નવી
દિલ્હી, તા. 10 : બિહારમાં વોટર વેરિફિકેશનને પડકારતી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
થઈ હતી. અરજકર્તાઓના વકીલ દ્વારા વેરિફિકેશનનો વિરોધ કર્યો હતો અને કામગીરીના સમય ઉપર
સવાલ કર્યા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટે વેરિફિકેશન માટે આધાર કાર્ડને દસ્તાવેજની
યાદીમાંથી બહાર રાખવા મુદ્દે ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો હતો અને આધારને તેમાં સામેલ
કરવા વિચાર કરવામાં આવે તેમ કહ્યું હતું. કોઈપણ અરજકર્તા દ્વારા વચગાળાની રોકની માગણી
ન કરી હોવાથી વેરિફિકેશનની પ્રક્રિયા ઉપર રોક લાદવામાં આવી નથી. હવે આ મામલે વધુ સુનાવણી
28 જુલાઈના રોજ કરવામાં આવશે.
અરજકર્તા
તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે બૂથ લેવલ ઓફિસરને શક્તિ અપાઈ
છે કે તે નક્કી કરે કે કોઈ ભારતનો નાગરીક છે કે નહી. કેન્દ્ર સરકાર નક્કી કરશે કે ભારતનો
નાગરીક છે કે નહી. ચૂંટણી પંચ નક્કી કરી શકે નહી. આ મામલે જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું
હતું કે, એક વખત ફોર્મ અપલોડ થયા બાદ આગળ વધવાની જરૂર રહેશે નહી કારણ કે ડેટાબેઝ તૈયાર
થઈ ચુક્યો હશે. વધુમાં ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે આધાર દેશના
તમામ નાગરિકો માટે છે માત્ર નાગરિકતા માટે નથી. આધાર નાગરીકતાનું પ્રમાણ નથી માત્ર
ઓળખનો દસ્તાવેજ છે.
આધાર
કાર્ડ આધાર એક્ટ હેઠળ લાવવામાં આવ્યું છે. જે 11 દસ્તાવેજ વેરિફિકેશન માટે બતાવવામાં
આવ્યા છે તેની પાછળ હેતુ છે. અરજકર્તા તરફથી વકીલ ગોપાલ શંકરે દાવો કર્યો હતો કે ચૂંટણી
પંચ વોટર વેરિફિકેશન પુરા દેશમાં લાગુ કરવા ઈચ્છે છે અને તેની શરૂઆત બિહારથી થઈ રહી
છે. જેના ઉપર જસ્ટિસ ધુલિયાએ કહ્યું હતું કે ચૂંટણી પંચ એ કામગીરી કરે છે જે સંવિધાનમાં
છે. આ પહેલા સુનાવણીમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ ચૂંટણી પંચના વકીલને કહ્યું હતું કે
પ્રક્રિયાને બિહારમાં નવેમ્બરમાં થનારી ચૂંટણી સાથે કેમ જોડવામાં આવે છે. જેના ઉપર
ચૂંટણી પંચના વકીલે કહ્યું હતું કે કામગીરીમાં તમામ પ્રક્રિયાનું પાલન થશે અને સુનાવણીની
તક વિના કોઈને મતદાર યાદીમાંથી બહાર કરવામાં આવશે નહી. વધુમાં ચૂંટણી પંચે કહ્યું હતું
કે ચૂંટણી પંચ સંવૈધાનિક સંસ્થા છે જેનો મતદારો સાથે સીધો સંબંધ છે. જો મતદાતા જ નહી
હોય તો ચૂંટણી પંચનું અસ્તિત્વ નથી. આયોગ કોઈને મતદાર યાદીમાંથી બહાર કરવાનો ઈરાદો
રાખતું નથી.