• શુક્રવાર, 11 જુલાઈ, 2025

અમરનાથ હિમલિંગ ઝડપથી પીગળવા લાગ્યું

ઓછી હિમવર્ષા, વધતી માનવીય ગતિવિધિ, જળવાયુ પરિવર્તનની અસર

શ્રીનગર, તા.10 : ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી અમરનાથ યાત્રા અંગે ચિંતાજનક ખબર છે. ભાવિકોના સતત ધસારા વચ્ચે બરફનું શિવલિંગ ઝડપથી પીગળવા લાગ્યું છે. કુદરતી રીતે બનેલા હિમલિંગનું કદ ઘટી રહયું હોવાથી ભાવિકોમાં જલ્દી દર્શન કરી લેવાની હોડ મચી છે.

છેલ્લી સ્થિતિએ 17000થી વધુ લોકો ગુફાની અંદર બરફાની બાબાના દર્શન કરી ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ઘાટી ભયાનક ગરમીનો સામનો કરી રહી છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓ અનુસાર, તેમણે એ અંદાજ લગાવવાનું બંધ કરી દીધું છે કે બરફનું શિવલિંગ ક્યાં સુધી રહેશે ? દર વર્ષે આવું થાય છે જ્યારે ભીડ સતત વધે ત્યારે શિવલિંગ ઝડપથી પીગળવા લાગે છે. અગાઉ વર્ષો પહેલા શિવલિંગ 1 ઓગસ્ટ સુધી ટકી ગયું હતુ. તે અંગે કોઈ પુર્વાનુમાન કરી ન શકાય જેની સીધી અસર યાત્રા પર પડે છે. આપણે સુવિધાઓ વધારી શકીએ, હવામાન બદલી શકીએ નહીં.

અમરનાથ ગુફામાં શ્રાવણ માસમાં શિવલિંગ બનવાનું શરૂ થઈ જતું પરંતુ તાજેતરના વર્ષોમાં તે ગાયબ થઈ રહયું હોવાથી જળવાયુ પરિવર્તનની અસર જોવા મળી છે. ર0ર1માં કોરોના મહામારી વખતે અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી ર0રરમાં 18 જૂલાઈ સુધી ચાલી હતી અને ર0ર3માં શિવલિંગ 47 દિવસ રહ્યું હતું. ર0ર4માં તો એક સપ્તાહમાં ગુફા ખાતે નાના-મોટા શિવલિંગ પીગળી ગયા હતા. જાણકારો અનુસાર ક્ષેત્રમાં હિમવર્ષા ઘટી છે અને માનવીય ગતિવિધિ વધવા સાથે જળવાયુ પરિવર્તન જેવા પરિબળ જવાબદાર છે.

ઇ-પેપરના નવા શુલ્ક