રાજ્યમાં
63 તાલુકામાંથી ફક્ત બે સ્થળે 1 ઇંચથી વધુ વરસાદ
ગારિયાધારમાં
2 અને સિહોરમાં 1 ઇંચ વરસાદ : ચોમલ ગામથી રૂપાવટી જવાના માર્ગ પર બાઈક ચાલક તણાયો
રાજકોટ,
અમદાવાદ, તા. 10: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મેઘરાજાએ વિરામ લીધો હોય
તેવું જોવા મળી રહ્યું છે. આજે કુલ 63 તાલુકામાં વરસાદ થયો હતો, જેમાં ફક્ત બે સ્થળે
1 ઇંચથી વધુ વરસાદ થયો હતો. જેમાં ભાવનગરના ગારિયાધારમાં 1.97 ઇંચ અને સિહોરમાં 1.02
ઇંચ વરસાદ પડયો હતો જ્યારે બાકીના સ્થળોએ 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
હવામાન
વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે
જ્યારે ગુજરાતનાં સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના તમામ ભાગોમાં 15 જુલાઈ સુધી વરસાદની ચેતવણી
આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 12-13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી
છે. રાજ્યમાં આગામી તા. 13 જુલાઈ સુધી થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની
શક્યતાઓ છે. તેમજ દિવસ દરમ્યાન પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિકલાક રહેવાની શક્યતાઓ
પણ છે. તેમજ અમદાવામાં પણ છૂટો છવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન
વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,
અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર; દક્ષિણ ગુજરાત પ્રદેશના
તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી,
વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે
સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર
સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
ગારિયાધાર:
શહેરમાં સુપડાધારે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસી પડયો હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં
2 ઈંચ કરતા વધારે વરસાદ જોવા મળ્યો હતો. શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના
પગલે આશ્રમ રોડ ખાતે દુકાનદારોની દુકાનોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા રહેતી હોવાથી ભય
જોવા મળ્યો હતો. દરેક સીઝનમાં 20 ઇંચ જેટલો ગારિયાધાર તાલુકામાં વરસાદ નોંધાતો હોય
છે જ્યારે હાલની સીઝનમાં એક જ માસમાં 256 એમએમ વરસાદ નોંધાઈ ગયો છે એટલે કે 10 ઇંચ
કરતાં વધારે વરસાદ વરસી ગયો છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વરસાદને
પગલે ગારિયાધાર તાલુકાના ચોમલ ગામ થી રૂપાવટી જવાના માર્ગે કરણભાઈ પ્રવીણભાઈ વાઢેર
(ઉં.વ.20) ઘરે જતા સમયે વરસાદનું પાણી આવી જતા બાઈક સાથે તણાઈ જવા પામ્યો હતો જેને
તંત્ર દ્વારા શોધખોળો કરવામાં આવી હતી.
ભાવનગર:
ગોહિલવાડ પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી એક સવારી આવી પહોંચી હતી. આજે બપોર બાદ જિલ્લામાં
છુટા છવાયા ઝાપટાથી લઈને અડધાથી બે ઇંચ વરસાદ પડયો છે. ગારિયાધારમાં બે ઇંચ અને શિહોરમાં
એક ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના વલભીપુરમાં 10, ભાવનગર શહેરમાં 16, સિહોરમાં 26,
ગારિયાધારમાં 50, પાલિતાણામાં પ5 અને મહુવામાં 2 મી.મી .વરસાદ નોંધાયો છે.