• શુક્રવાર, 11 જુલાઈ, 2025

‘ચૂંટણી હારીશ તો બે કરોડ આપીશ’ કાંતિ અમૃતિયાની ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ!

મોરબીમાં ખરાબ રોડ પ્રશ્ને શરૂ થયેલા જનઆંદોલનમાં નવો રાજકીય વણાંક : કાંતિલાલની ચેલેન્જને ઈટાલિયાએ સ્વીકારી

સુરેશ ગોસ્વામી

મોરબી તા.10 : મોરબીમાં ખરાબ રોડ પ્રશ્ને થયેલા જનઆંદોલનમાં હવે નવો રાજકીય વણાંક આવી રહ્યો છે. ગત રાત્રીના ધારાસભ્ય કાંતિલાલે એવું કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અહીં ચૂંટણી લડીને જીતી બતાવે, હું રાજીનામુ ધરી દઈશ અને માથે રૂ.2 કરોડનું ઇનામ આપીશ. હવે ધારાસભ્યની આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધી છે.

ગોપાલ ઇટાલિયાએ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે, મોરબીની જનતા અત્યાર સુધી અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી રહી હતી. તો કોઈને તકલીફ ન પડી જેવું જનતાએ રોડ-રસ્તા  સહિતની પ્રાથમિક સુવિધાને લગતી સમસ્યાઓ મુદ્દે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું. તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું છે. 30 વર્ષ સુધી જ્યારે આ જ જનતાએ મત આપ્યા અને ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, ગલીગલીયા થયાં ખુશ થયા, પણ હવે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાવા મુદ્દે રોડ ઉપર ખાડા મુદ્દે સવાલ કરે છે તો તમને હવે ગમતું નથી.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું કે ગઈકાલે મોરબીના ભાજપના ધારાસભ્યએ એવું કહ્યું કે ગોપાલ ઇટાલીયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલીયાને બે કરોડ રૂપિયા ઈનામમાં આપીશ. મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને હું સ્વીકારી લઉં છું. જો તમે સુરા હોય, મરદ માણસ હોય, જબાનના પાક્કા હોય તો તા.12ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દો. તો ગોપાલ ઈટાલીયા વટથી તમારી ચેલેન્જને સ્વીકારે છે.  દરમિયાન વળતા જવાબમાં ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું છે કે, હુ રાજકારણમાં 1982થી છું. છેલ્લા 3-4 દિવસથી વરસાદને લઈને મોરબીમાં જે થયું ત્યારે હું ગાંધીનગર હતો. મોરબીની જનતા સમક્ષ પ્રથમ માફી માંગુ છું. ખાડા, ગટર ઉભરાવા, પાણી ભરાઈ જવા સહિતના કામ તાત્કાલિક ચાલુ કરી દીધા છે. આમ આદમીની પાર્ટી પ્રજાને ઉશ્કેરવાનો ધંધો કરે છે. ગોપાલ ઈટાલિયા તમામ નેતાઓ વિષે ગમે તેમ બોલે છે. હવે તમે અધ્યક્ષ પાસે આવતા સોમવારે આવો, આપણે બન્ને રાજીનામું આપી દઈએ. પછી ચૂંટણી આવશે એટલે બન્ને મોરબીથી ચૂંટણી લડીશું. 

ઇ-પેપરના નવા શુલ્ક