દિગ્ગજ
જોકોવિચ રેકોર્ડ 14મી વખત વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં
લંડન
તા.10: નંબર વન બેલારૂસીની આર્યના સબાલેંકાને સેમિ ફાઇનલમાં હાર આપીને અમેરિકાની
13મા ક્રમની ખેલાડી અમાંડા એનિસિમોવા અપસેટ સર્જી વિમ્બલ્ડનના મહિલા સિંગલ્સના ફાઇનલમાં
પહોંચી છે. એનિસિમોવા તેની કેરિયરમાં પહેલીવાર ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટનો ફાઇનલ રમશે.
આજે રમાયેલા પ્રથમ સેમિ ફાઇનલમાં એનિસિમોવાનો સબાલેંકા સામે 6-4, 4-6 અને 6-4થી શાનદાર
વિજય થયો હતો.
આ પહેલા
ગઇકાલે રાત્રે 24 વખતનો ગ્રાંડસ્લેમ વિજેતા સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચ રેકોર્ડ
14મી વખત વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં પહોંચ્યો હતો. કવાર્ટર ફાઇનલમાં તેણે 22મા ક્રમના
ઇટાલીના યુવા ખેલાડી ફેબિયો કોબોલીને 6-7, 6-2, 7-પ અને 6-4થી હાર આપી હતી. જોકોવિચે
14મી વખત વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેનાથી વધુ આ ટૂર્નામેન્ટમાં
અન્ય કોઇ ખેલાડી સેમિ ફાઇનલમાં પહોંચ્યો નથી. જોકોવિચની નજર આઠમો વિમ્બલ્ડન ખિતાબ જીતી
મહાન રોઝર ફેડરરની બરાબરી કરવા પર છે.
સેમિ
ફાઇનલમાં જોકોવિચની ટક્કર વિશ્વ નંબર વન ઇટાલીના યાનિક સિનર વિરૂધ્ધ થશે. સિનરનો કવાર્ટર
ફાઇનલમાં બેંજામિન શેલ્ટન સામે 7-6, 6-4 અને 6-4થી વિજય થયો હતો. મેન્સ સિંગલ્સના બીજા
સેમિ ફાઇનલમાં કાર્લોસ અલ્કરાજ અને ટેલર ફિટ્જ વચ્ચે ટકકર થશે.