ગુજરાત 2,340 કિમી દરિયાકાંઠાનો મહત્તમ લાભ ઉઠાવીને ક્રૂઝ ટૂરિઝમને પ્રોત્સાહન આપવાની સાથે નવી આર્થિક તકોનું સર્જન કરવા પ્રતિબદ્ધ
મેરીટાઇમ
બોર્ડે ગુજરાત માટે ક્રૂઝ શાપિંગ પોલિસી બનાવવા કર્યું વર્કશોપનું આયોજન
ગાંધીનગર,
તા.8 :દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું
પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સાથે ભારતમાં વિશ્વ કક્ષાનો ક્રૂઝ પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મહત્વનું સીમાચિહ્ન
હાંસલ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યએ 2,340 કિમીના દરિયાકિનારા
અને સાબરમતી, નર્મદા જેવી નદીઓના વ્યૂહાત્મક મહત્વને ઓળખીને રાષ્ટ્રીય ક્રૂઝ એજન્ડાને
આકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. ક્રૂઝ ભારત મિશન માટે ક્રૂઝ શાપિંગ પોલિસીની રૂપરેખા
નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે 6 મેએ એક-દિવસીય વર્કશોપનું આયોજન કર્યું
હતું. જેમાં વિવિધ હિતધારકોએ હાજરી આપી હતી.
જીએમબી
દ્વારા આયોજિત આ વર્કશોપમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચીફ નોટિકલ અૉફિસર કૅપ્ટન બંશીવા
લાડવા, જીએમબીના વાઇસ ચૅરમૅન અને સીઈઓ રાજકુમાર બેનીવાલએ મહત્વનું સંબોધન કર્યું હતું.
તેમણે રાજ્યની વધી રહેલી દરિયાઈ ક્ષમતાઓ તેમજ ઊભરતા ક્રૂઝ ટુરિઝમ ક્ષેત્રની આર્થિક
તકો પર ભાર મૂક્યો હતો. વર્કશોપના પ્રથમ સત્રમાં મેરીટાઇમ અને ટુરિઝમ નિષ્ણાતોની ઉપસ્થિતિમાં
‘નીતિ અને માળખાગત સુવિધા- ભારતમાં ક્રૂઝ ક્ષેત્રના વિકાસ માટે પાયો નાખવા’ એ વિષય
પર ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશનના સલાહકાર રાજીવ જલોટાએ ક્રૂઝ
ભારત મિશન હેઠળ વ્યૂહાત્મક લક્ષ્યોની રૂપરેખા આપી હતી. મુંબઈ પોર્ટ અૉથોરિટીના અધ્યક્ષ
સુશીલ કુમાર સિંહે બંદરોની તૈયારી અને સ્પષ્ટ બર્થિંગ પોલિસીની જરૂરિયાત પર ચર્ચા કરી
હતી. એફઆરઆરઓ, કોચીનના કૃષ્ણરાજ આર. એ ઇમિગ્રેશન અને દરિયા કિનારાની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત
કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જ્યારે ગોવા ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલના સીઇઓ
ગૌતમ ડેએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ્સ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો હતો.
ગુજરાતનો
રોડમૅપ રજૂ કરતાં રાજકુમાર બેનીવાલે રોકાણને અનુરૂપ પોલિસીઓ બનાવીને વિશ્વ કક્ષાના
ક્રૂઝ ટર્મિનલ માટે રાજ્યની યોજના વિશે માહિતી આપી હતી. ગુજરાત ટુરિઝમના મૅનાજિંગ ડિરેક્ટર
સાઇદિંગપુઈ છાકછુઆકએ મુસાફરો માટે ક્રૂઝ-રેડી સ્થળો અને ઓનશોર પ્રવાસન વિકસાવવા માટેની
વ્યૂહરચના રજૂ કરી હતી. કૃષ્ણરાજ આર.એ કાર્યક્ષમ ઇમિગ્રેશન પ્રક્રિયાઓની જરૂરિયાત પર
ભાર મૂક્યો હતો અને પ્રવાસીઓના સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે ડિજિટલ ટેક્નોલૉજીના
ઉપયોગની ભલામણ કરી હતી. બંદરો અને પરિવહન વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે ગુજરાતને
એક અગ્રણી ક્રૂઝ હબ તરીકે સ્થાપિત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરી
હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યનો વ્યાપક અભિગમ, તેની માળખાગત સુવિધાઓ, નીતિ અને
પ્રવાસન વિકાસ અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે.
પ્રસ્તાવિત
રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજિત કરાયો
દરેક
ક્લસ્ટર પ્રવાસનને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. ખાસ તો, એ ક્લસ્ટરના
100 કિમીની અંદર મુખ્ય ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત
કરવામાં આવ્યું છે, જેથી ક્રૂઝ મુસાફરોને વધુ આકર્ષણ અને મનોરંજનના વિકલ્પો મળી રહે.
- પડાલા
ટાપુ- કચ્છનું રણ
- પોરબંદર-વેરાવળ-દીવ
- દ્વારકા-ઓખા-જામનગર
ગુજરાતમાં
બનશે સમર્પિત ક્રૂઝ ટર્મિનલ
ઉલ્લેખનીય
છે કે, 30 સપ્ટેમ્બર, 2024ના રોજ કેન્દ્રીય બંદરો, શાપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ
સોનોવાલ દ્વારા ક્રૂઝ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ આગામી દાયકામાં
ભારતને વિશ્વ સ્તરનું ક્રૂઝ પર્યટન કેન્દ્ર બનાવવાનો છે અને 2029 સુધીમાં દરિયાઈ ક્રૂઝ
પ્રવાસનને દસ ગણું વધારવાનો છે. દેશમાં મુંબઈ, કોચીન, ચેન્નઈ, અને મોર્મુગાઓ જેવા મુખ્ય
બંદરોએ ક્રૂઝ ટર્મિનલ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે ત્યારે ગુજરાત પણ ભવિષ્યમાં
એક સમર્પિત ક્રૂઝ ટર્મિનલ બનાવીને રાષ્ટ્રીય મિશનમાં નોંધપાત્ર ફાળો આપશે.