નામીબિયાની
સંસદને પીએમ મોદીએ કર્યું સંબોધન : વધુ એક દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત
નવી
દિલ્હી, તા. 11 : પાંચ દેશની યાત્રાના અંતિમ પડાવમાં પીએમ મોદી નામીબિયા પહોંચ્યા હતા.
જ્યાં તેઓનું ઉમળકાભેર સ્વાગત થયું હતું અને પીએમ મોદીને નામીબિયાનું સર્વોચ્ચ સન્માન
‘ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિએન્ટ વેલવિટ્સકિયા મિરેબિલિસ’ અપાયું હતું. આ સાથે પીએમ મોદી
ભારતના પહેલા વડાપ્રધાન બન્યા છે જેઓને 26થી વધારે દેશોએ પોતાનું સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું છે.
પીએમ મોદીએ નામીબિયાની સંસદને સંબોધન કર્યું હતું. જેમાં કહ્યું હતું કે લોકતંત્રના
મંદિરમાં સંબોધન કરવું સૌભાગ્યની વાત છે. તેઓ પોતાની સાથે ભારતના 1.4 અબજ લોકોની હાર્દિક
શુભકામના લાવ્યા છે.
નામીબિયાની
સંસદને સંબોધિત કરતા કહેવામાં આવ્યું હતું કે, ભારતના સંવિધાનની શક્તિ છે કે એક ગરીબ
આદિવાસી પરિવારના દિકરી દુનિયાના સૌથી મોટા લોકતંત્રના રાષ્ટ્રપતિ છે. જેણે ગરીબ પરિવારમાં
પેદા થયેલા વ્યક્તિને ત્રણ વખત પીએમ બનવાની તક આપી છે. જેની પાસે કંઈ નથી તેની પાસે
સંવિધાનની ગેરન્ટી છે. વધુમાં કહ્યું હતું કે આફ્રીકાએ માત્ર કાચા માલના ત્રોત તરીકે
નહી પણ મૂલ્ય સંવર્ધન અને સતત વિકાસમાં અગ્રણી બનવું જોઈએ. આ માટે મળીને કામ કરવું
પડશે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત રક્ષા અને સુરક્ષાના ક્ષેત્રમાં આફ્રીકા સાથે
સહયોગનો વિસ્તાર કરવા તત્પર છે. આફ્રીકા અને ભારતની વિકાસ ભાગીદારી 12 અબજ અમેરિકી
ડોલરથી વધારે છે.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની પાંચ દેશની યાત્રાનો અંતિમ પડાવ નામીબિયા હતો. આ આઠ દિવસની યાત્રા
પુરી થતા જ પીએમ ગુરૂવારે સવારે ભારત પરત ફર્યા હતા. પીએમ મોદી બીજી જુલાઈના રોજ ઘાના,
ત્રિનિદાદ, આર્જેન્ટીના, બ્રાઝીલ અને નામીબિયાની યાત્રાએ રવાના થયા હતા. આ દરમિયાન
પીએમ મોદીએ બ્રાઝીલમાં 17મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો.