• શુક્રવાર, 11 જુલાઈ, 2025

સાબરકાંઠાના વડાલી અને ભાવનગરના સિહોર તાલુકામાં 100 ટકા વરસાદ

સૌથી ઓછો વરસાદ પાટણ જિલ્લામાં નોંધાયો

3 તાલુકામાં 20 ટકાથી ઓછો વરસાદ : 24 ડેમ સો ટકા ભરાયેલા 16 તાલુકામાં 1000મીમી કરતા વધુ વરસાદ

ગાંધીનગર, તા.9: રાજ્યમાં બે તાલુકા એવા છે જ્યાં આજ સુધીમાં સીઝનનો સો ટકા વરસાદ થઈ ચૂક્યો છે. આ બે તાલુકામાં સાબરકાંઠા જિલ્લાનો વડાલી તાલુકો અને ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં પણ 99.30 ટકા જેટલો વરસાદ આજ સુધીમાં નોંધાયો છે. 

રાજ્યમંત્રી મંડળની આજે મળેલી બેઠકમાં વરસાદના આંકડા તેમજ અન્ય બાબતો ખાસ કરીને વાવણી, બિયારણની ઉપલબ્ધિ સહિતના વિષયો ચર્ચામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે રાજ્યના 60 જેટલા તાલુકા એવા છે જ્યાં 50%થી 80% જેટલો વરસાદ થયો છે. કચ્છના ગાંધીધામમાં 85.37%, જામનગરના જોડીયામાં 86.33%, તાપીના ડોલવણમાં 80.84%, સુરેન્દ્રનગરના સાયલામાં 80.70%, ભાવનગરના વલભીપુરમાં 87.33%, જેટલો સીઝનનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 

રાજ્યમાં ત્રણ તાલુકા એવા છે જ્યાં સીઝનનો 20%થી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં જાફરાબાદમાં 18.36%, હારીજમાં 19.42 ટકા, બેચરાજીમાં 19.12 ટકા વરસાદ નોંધાયો છે. 20થી 50% સીઝનનો વરસાદ ચાર તાલુકાઓમાં નોંધાયો છે તેમાં સાણંદમાં 20.08%, લાખણીમાં 20.82% રાધનપુરમાં 20.57 ટકા અને દેવગઢબારિયામાં 24.08 ટકા વરસાદ નવમી જુલાઈના સવારના 6:00 વાગ્યા સુધીમાં નોંધાયો છે. 

સચિવાલયના સૂત્રોએ જણાવ્યું છે કે જૂન માસમાં 303.09 મીમી સરેરાશ વરસાદ નોંધાયા પછી જુલાઈમાં પણ છેલ્લા આઠ દિવસમાં અર્થાત નવમી જુલાઈના સવારના છ વાગ્યા સુધીમાં 114.70 મીમી સરેરાશ વરસાદ નોંધાયો છે. જે વરસાદ નોંધાયો છે તે છેલ્લા દશકનો સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં નવમી જુલાઈના સવારના 6:00 વાગ્યા સુધીમાં 47.38% સીઝનનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.  રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 24.99 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ચાર તાલુકા એવા છે જ્યાં 51થી 125 મીમી, 60 તાલુકામાં 126થી 250 મીમી, 129 તાલુકામાં 251 થી 500મીમી, 42 તાલુકામાં 501થી 1000 મીમી અને 16 તાલુકામાં 1000 મીમી કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. 

આજની મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રાજ્યમાં 24 ડેમ 100 ટકા ભરાઈ જવા પામ્યા છે, 51 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 44 ડેમ 50થી 70 ટકા વચ્ચે, જ્યારે 43 ડેમ 25થી 50 ટકા વચ્ચે અને 44 ડેમ 25% થી ઓછા ભરાયેલ છે.  રાજ્યમાં ખરીફ વાવણી 50.32 ટકા જેટલી સંપન્ન થઈ ગઈ છે. બિયારણ અને ખાતરની તકલીફ જોવા મળતી નહીં હોવાનું કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક