માર્ગ
અને મકાન વિભાગના અધિકારીઓની ટીમે ઉચ્ચ સ્તરીય તપાસ માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી :
પાદરા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો
રાજકોટ,
વડોદરા તા.10:
મધ્ય
ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ ગત બુધવારે
વહેલી સવારે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર
નદીમાં ખાબક્યાં હતાં. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 17 થયો છે, તેમજ હજુ ગુમ 3 લોકોની શોધખોળ
કરવામાં આવી રહી છે. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા.
ગંભીરા
બ્રિજ દુર્ઘટનાના બીજા દિવસે (10મી જુલાઈ) સવારથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની
ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. માર્ગ અને મકાન વિભાગની આ તપાસ સમિતિમાં
મુખ્ય ઇજનેર સી. પટેલ અને એન. કે. પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે. એમ. પટેલ, એમ. બી.
દેસાઈ ઉપરાંત એન. વી. રાઠવા પણ જોડાયા હતી. બીજી તરફ વહેલી વહેલી સવારથી જ ફાયર,એનડીઆરએફ,
એસડીઆરએફ સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે 10થી
વધુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ
સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર
અને પોલીસની ટીમોએ અહી રાતભર પડાવ નાખ્યો હતો. એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન
વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો
હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં
આવી છે. આ ઉપરાંત તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેકટર
દ્વારા સૂચના આપવામાં આવી છે.તેમજ જીપીસીબીના અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી બ્રિજ પર રહેલા
ટેન્કરમાં કોઈ કેમિકલ છે કે કેમ તેની ચકાસણી કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ ટેન્કર ખાલી
હોવાની માહિતી સામે આવી છે.
ગત
મોડી સાંજે મુજપુર ગામમાં દરીયાપુરા બસ સ્ટેન્ડ પાસે રહેતા અર્જુનાસિંહ માધવાસિંહ પઢીયારની
ફરિયાદના આધારે પાદરા પોલીસે ગંભીરા બ્રિજ તૂટી જવાથી 17 વ્યક્તિના મૃત્યુ અંગે અકસ્માત
મૃત્યુને ગુનો દાખલ કર્યો હતો. આ બનાવની તપાસ પાદરા પોલીસ મથકના પી.આઇ. વી.એ. ચારણ
કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રેસ્ક્યૂ પૂર્ણ થયા બાદ પંચનામું કરવામાં આવશે.
તે સાથે એફએસએલની મદદથી બ્રિજના વિવિધ નમુના લેવામાં આવશે. ઉપરાંત મૃતકના પરિવારજનોના
અને ઇજાગ્રસ્તો સહિત ઘટના સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવશે. તે બાદ આગળની કાર્યવાહી
કરવામાં આવશે.
4 અધિકારીઓને
ફરજ મોકૂફ કરાયા
વડોદરા-આણંદને
જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત
અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના
થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો
સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું. મુખ્યમંત્રીએ
નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર
સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર
કરવાની જવાબદારી સોંપી હતી. નિષ્ણાતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા
બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલા
અધિકારીઓ એન.એમ. નાયકાવાલા (કાર્યપાલક ઇજનેર), યુ.સી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર),
આર.ટી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર) અને જે.વી.શાહ (મદદનીશ ઇજનેર)ને તાત્કાલિક અસરથી
ફરજ મોકૂફ કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.