વડોદરા, તા.6: ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આલીશાન સિટીમાં છાપો મારી ઘરમાં બે દંપતીઓ દ્વારા ચલાવાતા નશીલા પદાર્થ ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો છે.
મળતી
માહિતી પ્રમાણે એસઓજીને મળેલી ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વરના જીતાલી ગામે આલીશાન સીટી
મકાનમાં રેઇડ કરાઈ હતી. દરોડામાં સુમન સુભાષ યાદવ અને સંજુદેવી કુંદન રાય પોતાના મકાનમાં
વનસ્પતિજન્ય માદક પદાર્થ 2 કિલો 221 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા
સાથે મુકેલા રોકડા 26 લાખ 17 હજાર પણ મળી આવ્યા હતા. દરોડામાં ગાંજો વેચી કમાણીમાંથી
વસાવેલા સોનાના 29.6 તોલા અને ચાંદીના 16.670 ગ્રામ દાગીના પણ મળતા જપ્ત કરાયા હતા.
મૂળ બિહારના બે આરોપી દંપતીઓએ લાખોની રોકડ અને દાગીના નાર્કોટીકસના ધંધામાંથી કમાયેલ
હોવાનું પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું હતું. ગાંજો, દાગીના અને રોકડા મળી કુલ રૂપિયા
54.35 લાખનો મુદામાલ કબજે લીધો હતો. બન્ને મહિલા આરોપીની ધરપકડ કરી તેઓના પતિ સુભાષ
શીવચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કર્યા હતા.