થરૂરના નેજાવાળા પ્રતિનિધિ મંડળ સાથે બેઠકમાં સાંસદો બોલ્યા; પહેલગામનો યોગ્ય જવાબ
વોશિંગ્ટન, તા. 5 : અમેરિકા પ્રવાસે
પહોંચેલા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના નેતૃત્વવાળા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ સમક્ષ અમેરિકી
સાંસદોએ ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ભારતને ભારોભાર સમર્થન જાહેર કર્યું હતું. કારણ વગર
કોઈ હુમલો થાય, તો તેનો જવાબ આપવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી, તેવું કહેતાં અમેરિકાના
સાંસદોએ આતંકવાદ સામે લડાઈમાં ભારતનાં વલણના વખાણ કર્યા હતા.
અમેરિકાના બન્ને રાજકીય પક્ષોના
સાંસદોએ પહેલાગામ હુમલાની ટીકા કરી હતી અને ભારતના વળતા જવાબનું સમર્થન કર્યું હતું.
થરૂરના વડપણવાળા ભારતીય પ્રતિનિધિ મંડળે અમેરિકાની વિદેશી મામલાઓની સમિતિના અધ્યક્ષ
બ્રાયન માસ્ટ, સભ્યો ગ્રેગરી મિક્સ, સાંસદ કમલાગર ડોવ, બિલ હુજએંગા સાથે મુલાકાત કરી
હતી.
બ્રાયન માસ્ટે કહ્યું હતું કે,
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાસેથી આવા જ જવાબની અપેક્ષા હતી.
સાંસદ ગ્રેગરી મિકસે કહ્યું હતું
કે, કોઈ પણ રીતે આતંકવાદને સહન કરી લેવો ન જોઈએ અને ભારતે એ જ કર્યું છે. ભારતીય પ્રતિનિધિ
મંડળ વતી થરૂરે ઓપરેશન સિંદૂર પર ભારતને સમર્થન જાહેર કરવા બદલ અમેરિકી સાંસદોનો આભાર
માન્યો હતો.