• શનિવાર, 07 જૂન, 2025

હથિયારના નકલી લાયસન્સ કેસમાં ATS દ્વારા અત્યાર સુધીમાં 66 આરોપીની ધરપકડ કરાઇ

કાવતરાની કલમ ઉમેરવા કોર્ટની મંજૂરી

અમદાવાદ, તા.6: ગુજરાતમાં હથિયારોના નકલી લાયસન્સ કૌભાંડમાં રોજે રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કૌભાંડ કોઈ મોટા કાવતરાનો એક ભાગ હોવાની સંભાવના ધીરે ધીરે પ્રબળ બની રહી છે. હથિયારોનું નકલી લાયસન્સ લેવાની હોડ જામી હોય તેમ રાજ્યના ખેડૂત, વેપારી, બિલ્ડર, નેતા પુત્ર અને અસામાજિક તત્વો પાસે આ નકલી લાયસન્સ હોવાનું બહાર આવ્યું છે. જો કે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કોર્ટે હવે આ કેસમાં કાવતરાની કલમ ઉમેરવાની મંજૂરી આપી છે.

ગુજરાત જેવા શાંત રાજ્યમાં હથિયારોના નકલી પરવાનાનો વેપલો એક મોટું કૌભાંડ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેથી જ એટીએસ દ્વારા આ કેસમાં કાવતરાની કલમ ઉમેરવા માટે અરજી કરાઈ હતી. આ કાવતરાની કલમ ઉમેરાતા હથિયારોના નકલી લાયસન્સ કૌભાંડને ઉકેલવામાં એટીએસને ઝડપથી સફળતા મળી શકે છે. તેથી જ કોર્ટે એટીએસની કાવતરાની કલમ ઉમેરવાની અરજીને મંજૂરી આપી છે. આ કૌભાંડમાં અત્યાર સુધી 100થી વધુ શકમંદો વિરુદ્ધ એટીએસ તપાસ કરી રહી છે. અત્યાર સુધી એટીએસદ્વારા 66 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. અહી નોંધવુ ઘટે કે, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વધુ પગારની લાલચે અનેક શખ્સો બોગસ લાયસન્સ અને ગન દર્શાવીને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. પોલીસ એજન્સીઓની નિયમિત તપાસના અભાવે આવા હથિયારોના નકલી લાયસન્સ કૌભાંડને પ્રોત્સાહન મળી રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક