પેરિસ, તા.4: યુરોપીય દેશોએ તો રશિયાની આગેવાનીવાળા વિરોધી દેશો સામે વિશ્વયુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવો તાલ છે. ફ્રાન્સ, બ્રિટન, જર્મની, પોલેન્ડ, સ્વીડન અને નોર્વે સહિતનાં દેશોએ યુદ્ધનાં સંજોગોની આવશ્યકતાઓ ધ્યાને રાખીને અત્યારથી જ બુનિયાદી માળખા બનાવવા માંડયા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ફ્રાન્સે પોતાની હોસ્પિટલોને મોટી સંખ્યામાં ઘાયલોની સારવાર માટે સજ્જ રહેવા યુદ્ધનાં ધોરણે તૈયારીઓ હાથ ધરવા આદેશ આપી દીધો છે. હોસ્પિટલોને યુરોપ અને રશિયા વચ્ચે ભીષણ ઘર્ષણની સ્થિતિ માટે સાબદાં રહેવા કહેવામાં આવ્યું છે.
ગુપ્તચર
સૂત્રોનાં હવાલેથી વિદેશનાં મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર ફ્રાન્સનાં સ્વાસ્થ્ય
અધિકારીઓને માર્ચ 2026 સુધીમાં એક મોટી લડાઈ માટે સજ્જ રહેવા નિર્દેશો આપવામાં આવ્યા
છે. આ સાથે જ સમગ્ર મહાદ્વીપમાંથી આવનારા ઈજાગ્રસ્ત સૈનિકોને ઈલાજ માટે પણ તૈયારી કરવા
કડક સૂચના આપવામાં આવી છે.
ફ્રાન્સ
એવું માનીને અત્યારથી તૈયારી કરી રહ્યું છે કે, જો યુદ્ધ ફાટી નીકળે તો ઘાયલોનાં ઈલાજ
માટે તે મુખ્ય કેન્દ્ર બની શકે છે. તેને પોતાની સેના ઉપરાંત નાટો સહયોગીનાં સેંકડો
સૈનિકોનો ઈલાજ પોતાને ત્યાં કરવો પડશે.
આ પહેલા
નાટો પ્રમુખ માર્ક રુટે પણ ચેતવણી આપી હતી કે, રશિયા અને ચીન મળીને ત્રીજા વિશ્વયુદ્ધની
આગ ભડકાવી શકે છે. ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારીઓ હવે કાલ્પનિક રહી નથી. તેની
અસર અને તૈયારીઓ સડકો ઉપર, સ્કૂલોમાં, બંકરોમાં અને હોસ્પિટલોમાં જોવા મળવા લાગી છે.
સ્વીડનથી
માંડીને નોર્વે સુધી લોકોને આપાત સંજોગોમાં જીવન બચાવવા માટે માર્ગદર્શન આપવામાં આવી
રહ્યું છે. લોકોને ઘરમાં એક માસનું રાશન, અન્ય જરૂરી સામાનનો સંગ્રહ પણ રાખવા માટે
ચેતવણી આપવામાં આવી રહી છે. પોલેન્ડ, બાલ્ટિક અને નાર્ડિક દેશોમાં સેનામાં સૈનિકોની
નવી ભર્તી કરવામાં આવી રહી છે અને તેમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવી છે. નોર્વેમાં
રશિયા સમીપનાં સીમાવર્તી વિસ્તારો તો ખાલી પણ થવા લાગ્યા છે. સ્થાનિકોને રશિયાની ટેન્કોનો
હુમલો થાય તો દેશનાં પશ્ચિમી વિસ્તારોમાં સ્થળાંતર કરવા કહેવામાં આવ્યું છે. આખા યુરોપમાં
બંકરો અને બેરિકેડ પણ વધી રહ્યાં છે. બાલ્ટિક દેશોમાં સુરંગાનું બાંધકામ ચાલી રહ્યું
છે. જર્મનીમાં એક હજાર પાનાનો યુદ્ધ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.