• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

બિહાર બંધ : એનડીએ કાર્યકરોના દેખાવો

મોદીના માતા વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે ચક્કાજામ કર્યા : દુકાનો બંધ કરાવાઈ

પટણા, તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરાયાના વિરોધમાં એનડીએ દ્વારા બિહાર બંધનું એલાન કરાયા બાદ ગુરુવારે બિહારના માર્ગો પર ઊતરેલા કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી અને વિવિધ વિસ્તારોમાં ચક્કાજામ કર્યા હતા. લોકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને આગજની કરી હતી.

આ જામના લીધે સમસ્તીપુર, બેગુસરાય, છપરા, હાજીપુર સહિત 12 જિલ્લામાં 2-3 કલાક સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાંબી કતાર લાગી હતી. બીજી તરફ કોંગ્રેસ અને રાજદ ઓફિસની સુરક્ષા વ્યવસ્થા વધારાઈ હતી સાથે જ પટનામાં બે હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતા. એક મીડિયા હેવાલ મુજબ, રસ્તા પર ઊતરેલા એનડીએના કાર્યકરોએ વિવિધ વિસ્તારોમાં દુકાનો બંધ કરાવી હતી, તો જહાનાબાદમાં શાળાએ જઈ રહેલી શિક્ષિકાને ભાજપ કાર્યકરોએ જબરદસ્તી ઘરે પરત મોકલી હતી, તો ભાગલપુરમાં બાઈકથી જઈ રહેલા દંપતીને સાથે પણ દુર્વ્યવહાર કરાયો હતો. પટનાના સગુના માર્ગ પર આગજનીની ઘટના પણ સર્જાઈ હતી, તો જજ અને શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવની ગાડીઓ પણ રોકાવાઈ હતી. બિહટામાં ભાજપ નેતાઓએ ચક્કાજામ કર્યો હતો. જહાનાબાદમાં બંધને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓ રોડરોલર લઈને પહોંચ્યા હતા, તો એક યુવક સાથે મારપીટ પણ કરાઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક