• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

બોટાદના હોમગાર્ડઝના કમાન્ડિંગ ઓફિસર સરકારી વાહનમાં દારૂની ખેપ મારતા ઝડપાયા

બોટાદ, તા.4: અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડઝના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારૂ સાથે ઝડપાતાં ચકચાર મચી હતી. કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ અને હોમગાર્ડઝ જવાન દિલીપ સોલંકી અને પ્રશાંત ચૌહાણે સરકારી વાહનમાં આબુથી દારૂ અને બિયરનો જથ્થો ભર્યો હતો. બોટાદ પહોંચતા જ એલસીબીએ પૂર્વ બાતમીના આધારે ત્રણેયને ખસ રોડ મિલેટ્રી રોડ પર થી ઝડપી પાડયા હતા અને કાર્યવાહી હાથ ધરી.

વધુ મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા અને અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઇ બંદોબસ્ત માટે ગયેલા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડિગ ઓફિસર અને હોમગાર્ડઝ અંબાજીથી પરત ફરતી વખતે સરકારી વાહનમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો લઇ બોટાદ આવી રહ્યા હતા. ત્યારે બોટાદ એલસીબીને મળેલી બાતમીનાં આધારે વોચ રાખીને ખસ રોડ ઉપર ગોઠવાઈ ગયા હતા. મોડી રાતના બોટાદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડિંગ ઓફિસર અને હોમગાર્ડઝના જવાનો સરકારી વાહન સાથે આવતાની સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ચોક્કસ બાતમીના આધારે, એલસીબી ટીમે વોચ ગોઠવીને હોમગાર્ડ યુનિટના સરકારી ટાટા સુમો વાહનને અટકાવ્યું હતું અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 25 બોટલ અને બિયરના 76 ટીન જપ્ત કર્યો હતા. આ ઘટનામાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સહિત હોમગાર્ડ જવાનો મળી કુલ ત્રણ શખસની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી કુલ. રૂ.1,00,060નો મુદ્દામાલ કબજે કરાયો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સરકારી વાહનમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બોટાદ પોલીસે સાત દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી જ્યારે બોટાદ કોર્ટે ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક