• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

SC-ST એક્ટમાં જામીન માટે સુપ્રીમ કોર્ટે ખેંચી લક્ષ્મણ રેખા

પ્રથમ દૃષ્ટિએ આરોપો સાબિત ન થાય તો જ આગોતરા જામીન મળી શકે : CJIની આગેવાનીની પીઠે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો પલટયો

નવી દિલ્હી તા.4 : દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાની સુપ્રીમ કોર્ટની પીઠે એક ચુકાદો આપતા કહ્યું છે કે દલિતો સામે ઉત્પીડન સંબંધિત કેસ એટલે કે એસસી-એસટી એક્ટ 1989 હેઠળ નોંધાયેલા કેસમાં કોઈપણ આરોપીને આગોતરા જામીન ત્યારે જ આપી શકાય જ્યારે સ્પષ્ટ રૂપે સાબિત થઈ શકે કે આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ કોઈ મામલો બની રહ્યો નથી. એટલે કે પહેલી નજરમાં દલિત સમુદાય પ્રત્યે કોઈ હિંસા થઈ નથી તે સાબિત થવું જોઈએ.

સીજેઆઈ ગવઈ, જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની પીઠે ભાર મૂકીને કહ્યું હતું કે એસસી-એસટી એક્ટ નબળા વર્ગની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના હેતુથી લાવવામાં આવ્યો હતો અને તે આરોપીને ધરપકડ પહેલા જામીન આપવાથી રોક મૂકે છે. આ સાથે પીઠે જાતિગત અત્યાચારના આરોપોનો સામનો કરી રહેલા એક આરોપીને આગોતરા જામીન આપવા સંબંધિત બોમ્બે હાઈકોર્ટના આદેશને ખારિજ કરી દીધો હતો. પીઠે અનુસૂચિત

જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની ધારા 18નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ જોગવાઈ સ્પષ્ટ રૂપે સીઆરપીસીની ધારા 438ને લાગુ ન કરવા અંગે છે. કોર્ટે કહ્યું હતું કે એસસી એસટી એક્ટની ધારા 18 આરોપીને આગોતરા જામીન આપવા ઉપર રોક મુકે છે. જો કે સ્પષ્ટ રેખા ખેંચતા પીઠે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ સાબિત થાય કે આરોપીએ અધિનિયમની જોગવાઈનું ઉલ્લંઘન નથી કર્યું તો અદાલત આરોપીને આગોતરા જામીન આપવાનો વિવેકાધિકાર રાખે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક