• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

અનિસિમોવાએ હિસાબ ચૂકતે કર્યો : સ્વિયાતેકને હાર આપી સેમિ ફાઇનલમાં

ન્યૂયોર્ક, તા.4: આઠમા ક્રમની અમાંડા અનિસિમોવાએ બીજા ક્રમની ઇગા સ્વિયાતેકને 6-4 અને 6-3થી હાર આપીને યૂએસ ઓપનના મહિલા સિંગલ્સના સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. બે મહિના પહેલા પોલેન્ડની ઇગા સ્વિયાતેકે વિમ્બલ્ડન ફાઇનલમાં અમેરિકી ખેલાડી અનિસિમોવાને 6-0 અને 6-0થી સનસનીખેજ હાર આપી હતી. હવે આ હારનો હિસાબ અનિસિમોવાએ ચૂકતે કરીને સ્વિયાતેકને યૂએસ ઓપનની બહાર કરી છે. અનિસિમોવાનો આ ત્રીજો ગ્રાંડસ્લેમ સેમિ ફાઇનલ છે. જો કે ફલેશિંગ મીડોસ પર પહેલીવાર અંતિમ-ચારમાં પહોંચી છે. હવે તેણીનો સામનો ચાર વખતની ગ્રાંડસ્લેમ ચેમ્પિયન જાપાનની નાઓમી ઓસાકા વિરુદ્ધ થશે. ઓસાકાએ ક્વાર્ટર ફાઇનલમાં 11મા ક્રમની ઝેક ખેલાડી કેરોલિના મૂચોવાને 6-4 અને 7-6થી હાર આપી હતી.

બીજી તરફ પુરુષ વિભાગનો વિશ્વ નંબર વન ઇટાલીનો ખેલાડી યાનિક સિનર શાનથી સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે 10મા નંબરના લોરંજો મુસેત્તીને 6-1, 6-2 અને 6-2થી હાર આપી હતી. ગત ચેમ્પિયન સિનરનો સેમિ ફાઇનલમાં 2પમા ક્રમના ફેલિકસ આગર એલિયાસિમે વિરુદ્ધ સામનો થશે. તેણે ક્વાર્ટરમાં 8મા ક્રમના એલેકસ ડિ મિનોરને 4-6, 7-6, 7-પ અને 7-6થી હાર આપી અપસેટ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક