• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

મણિપુરમાં શાંતિ બહાલ કરવાના પ્રયાસો તેજ

મોદીના પ્રવાસ પહેલા કેન્દ્ર, મણિપુર સરકાર અને કુકી સમૂહો સાથે મહત્ત્વની સમજૂતિ : નેશનલ હાઈવે-2 ખોલવા સહમતિ : CRPF-BSF કેમ્પમાં જમા થશે હથિયાર : સમુદાયો પોતાના કેમ્પની સંખ્યા ઘટાડશે

નવી દિલ્હી, તા. 3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મણિપુર પ્રવાસ પહેલા ક્ષેત્રમાં શાંતિ માટેના પ્રયાસો તેજ થયા છે. કેન્દ્ર સરકાર અને મણિપુર સરકારે કુકી જો સમૂહો સાથે એક નવી સમજૂતિ કરી છે. આ સમજૂતિમાં રાજ્યની ક્ષેત્રીય એકતાને જાળવી રાખવાની વાત દોહરાવવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ-2ને ફરીથી ખોલવા માટે સહમતિ બની છે. જેનાથી સામાન્ય લોકો અને જરૂરી સામાનની  અવરજવર સરળ બનશે.

માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડીયામાં મણિપુરનો પ્રવાસ કરશે મે-2023માં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે શરૂ થયેલી હિંસા બાદ આ પીએમ મોદીની પહેલી મણિપુર યાત્રા હશે. આ દરમિયાન નવી દિલ્હીમાં થયેલી વાતચીતમાં સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં એક મહત્ત્વની શરત રાષ્ટ્રીય રાજમાર્ગ-2 ખોલવાની હતી. જેથી યાત્રી અને સામાનની અવરજવર સુનિશ્ચિત થઈ શકે. કુકી જો પરિષદે ભરોસો આપ્યો હતો કે રસ્તા ઉપર શાંતિ બનાવી રાખવા માટે સુરક્ષા દળો સાથે મળીને કામ કરવામાં આવશે.  ત્રિપક્ષીય ઓપરેશન સસ્પેન્શન સમજૂતીમાં બદલાવ કરવામાં આવ્યો છે અને નવી શરતો તાકીદના ધોરણથી લાગુ થઈ છે અને આગામી એક વર્ષ સુધી માન્ય રહેશે. આ શરતોમાં ખાસ કરીને મણિપુરની ક્ષેત્રીય અખંડતા જાળવી રાખવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન અને યુનાઈટેડ પિપલ્સ ફ્રન્ટે ભરોસો આપ્યો છે કે પોતાના સાત કેમ્પ સંઘર્ષના વિસ્તારમાંથી હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરશે. આ કદમથી તણાવ ઘટાડવામાં મદદ મળી રહેશે.

સમજૂતીમાં નક્કી કરવામાં આવ્યું છે કે શિબિરોની સંખ્યા ઘટાડવામાં આવશે અને વર્તમાન હથિયાર સીઆરપીએફ કે બીએસએફ કેમ્પમાં જમા કરાવવામાં આવશે. સુરક્ષા દળ કેડરોની શારીરિક ચકાસણી કરશે. જેનો હેતુ સમુહમાં રહેલા કોઈપણ વિદેશી નાગરિકની ઓળખ કરીને તેને હટાવવાનો છે. એક સંયુક્ત મોનિટરીંગ ગ્રુપ નવા નિયમો ઉપર ચાંપતી નજર રાખશે. જો કોઈ ઉલ્લંઘન જોવા મળશે તો તાકીદે પગલા ભરવામાં આવશે અને જરૂરી પડે તો સમજૂતીની સમીક્ષા કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક