તૃણમુલ-ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપીમાં ભાજપના દંડક ઘાયલ, મોદી-શાહ બંગાળ વિરોધી હોવાનો મુખ્યમંત્રીનો આરોપ
કોલકત્તા,
તા.4 : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરુવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઉગ્ર ભાષણ વચ્ચે
ભારે હંગામો મચ્યો હતો. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે અથડામણ થઈ હતી
જેમાં ભાજપના મુખ્ય દંડકને ઈજા પહોંચી હતી.
ભાજપના
ધારાસભ્ય અને પક્ષના મુખ્ય દંડક શંકર ઘોષને બહાર કાઢવા સ્પીકર બિમન બેનર્જીએ માર્શલો
બોલાવીને તેમને સસ્પેન્ડ કરતાં તણાવ વધ્યો હતો. ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી કામદારો
પરના હુમલાઓની નિંદા કરતો પ્રસ્તાવ પસાર કરવાના પ્રયાસ વખતે ભાજપના ધારાસભ્યોએ જય શ્રી
રામના નારા લગાવ્યા હતા. હંગામા વચ્ચે મમતા બેનર્જી બોલવા ઉભા થયા અને વડાપ્રધાન મોદી
અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહ પર બંગાળ વિરોધી હોવાનો અને બંગાળીઓના ઉત્પીડન પર ચર્ચા
અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યંy કે ભાજપ ભ્રષ્ટોનો પક્ષ છે, મત ચોરોનો પક્ષ
છે. તેઓ સૌથી મોટો ડાકુ પક્ષ છે. અમે સંસદમાં જોયું કે કેવી રીતે તેઓએ અમારા સાંસદોને
હેરાન કરવા સીઆઈએસએફનો ઉપયોગ કર્યો હતો.
વિપક્ષી
ધારાસભ્યોની નારેબાજી વચ્ચે મમતા બેનર્જીએ કહયુ કે બાંગ્લા વિરોધી ભાજપ હટાઓ, દેશ બચાવો.
મારા શબ્દો યાદ રાખો, એક દિવસ આવશે જ્યારે આ ગૃહમાં ભાજપનો એક પણ ધારાસભ્ય બેસશે નહીં.
લોકો તમને સત્તા પરથી ઉથલાવી દેશે. કેન્દ્રમાં મોદી અને અમિત શાહની આગેવાની હેઠળની
સરકાર ટૂંક સમયમાં પડી જશે.