• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

‘ટ્રમ્પ ભારત-ચીનને ન ધમકાવે’

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ચેતવણી : અમેરિકા ટેરિફની ભાષાનો ઉપયોગ રોકે

બીજિંગ, તા. 4 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફના નામ પર ભારત અને ચીનને ધમકાવવાનું બંધ કરે. આ બંને દેશ ટ્રમ્પની ધમકીથી ડરવાના નથી.

પુતિને અમેરિકી વલણને જૂનવાણી અને રૂઢિવાદી માનસિકતાવાળું લેખાવ્યું હતું. ટ્રમ્પ આવી ભાષામાં ભારત-ચીન સાથે વાત ન કરી શકે.

જો કે, તેમણે ભવિષ્યમાં તાણ ઓછી થશે અને સામાન્ય રાજનીતિક સંવાદ ફરી શરૂ થશે, તેવી આશા દર્શાવી હતી.

ભારત રૂસી તેલ ખરીદી બદલ અમેરિકી ટેરિફનો સામનો કરી રહ્યું છે અને ચીન અમેરિકા સાથે વેપારયુદ્ધનો સામનો કરે છે, તેવા સમયે રૂસી પ્રમુખે આવી ટિપ્પણી કરી હતી.

ટ્રમ્પ અનેકવાર આરોપ મૂકી ચૂક્યા છે કે, ભારત રશિયાનું તેલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં રૂસની મદદ કરી રહ્યું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ કહી ચૂક્યા છે કે, ટેરિફ જાદૂઇ હથિયાર છે અને સાત યુદ્ધ રોકાવ્યા છે, તેવો દાવો પણ કરી ચૂક્યા છે.

---------------

‘યુક્રેનમાં શાંતિ માટે ભારત પર ટેરિફ !’

વોશિંગ્ટન, તા. 4 : ટેરિફને ગેરકાયદે ગણાવતા અમેરિકાની સંઘીય અદાલતના ચુકાદાને ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ટ્રમ્પ પ્રશાસને સર્વોચ્ય અદાલતમાં ભારત પરના તીવ્ર ટેરિફને યોગ્ય ગણાવતાં દાવો કર્યો હતો કે રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવા માટે ભારત પર ટેરિફ લગાવાયો હતો!

ટ્રમ્પના વહીવટીતંત્રે કોર્ટના દસ્તાવેજોમાં ચેતવણી આપી છે કે, ભારત સહિત અનેક દેશો પર લગાવવામાં આવેલા ટેરિફ હટાવી દેવાથી વિદેશમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો નબળા પડી જશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુ.એસ. સોલિસીટર જનરલ જોન સોયરે ન્યાયધીશોને આ ટેક્સ જાળવી રાખવા અપીલ કરી હતી.  અપીલમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ કેસમાં દાવ પર લાગેલી વસ્તુઓ ઘણી મોટી છે.’ દસ્તાવેજમાં ટેરિફને ‘યુક્રેનમાં શાંતિ માટેના પ્રયાસોનો મહત્ત્વપૂર્ણ ભાગ’ અને ‘આર્થિક વિનાશ સામે રક્ષણ આપતી ઢાલ’ ગણાવવામાં આવ્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે, ‘રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ચાલી રહેલી રાષ્ટ્રીય કટોકટીનો સામનો કરવા માટે અમે તાજેતરમાં ભારત પર ટેરિફ લગાવ્યા છે, કારણ કે તે રશિયન ઊર્જા ઉત્પાદનો ખરીદી રહ્યું છે. આ ટેરિફ હટાવી દેવાથી અમેરિકા આર્થિક વિનાશની અણી પર ધકેલાઈ જશે.’ તાજેતરમાં અમેરિકાએ એમ કહીને કે વેપાર ખાધ વધી રહી છે, ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો. ઉપરાંત, રશિયા સાથે તેલ વેપાર ખતમ કરવાના દબાણને ન માનવા બદલ  25 ટકા વધારાનો ટેરિફ લગાવવામાં આવ્યો એટલે કે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે.

-----------------

કંઈક મોટું થવાનું છે : ટ્રમ્પે કર્યો ઈશારો

નવી દિલ્હી, તા. 4 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થંભી શકે છે. એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ બધુ જોઈ રહ્યા છે અને રાષ્ટ્રપતિ પુતિન અને ઝેલેંસ્કી સાથે વાત ચાલી રહી છે. ઘણું બધું થવાનું છે પણ આ લોકો તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે રશિયાએ યુક્રેન ઉપર વધારે આકરા હુમલા શરૂ કર્યા છે.  ડોનાલ્ડ ટ્રમ્પે ફોન ઉપર આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓને લાગતું હતું કે રશિયા સરળતાથી માની જશે. જો કે આવું થયું નથી. હવે લાગે છે કે કંઈક થવાનું છે. વધુમાં તેઓને ખ્યાલ હતો કે ચીનની પરેડમાં જિનપિંગ, પુતિન અને કિમ જોંગ ઉન સાથે રહેશે. બાદમાં પોતાની જ પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું હતું કે પોતે ધૈર્ય રાખતા જાણે છે અને સામેની વ્યક્તિને તક આપે છે કે ટેબલ ઉપર વાતચીત કરવામાં આવે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક