• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

પૂરપ્રકોપ : કેન્દ્રને સુપ્રીમની નોટિસ

હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, ઝારખંડમાં પૂર પર કોર્ટે કહ્યું, પહાડોમાં વૃક્ષ છેદનનો પ્રકૃતિ બદલો લે છે

નવી દિલ્હી, તા. 4 : ઉત્તર ભારતીય રાજ્યોમાં પૂર પ્રકોપથી વિનાશ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્ત્વના નિર્દેશમાં જણાવ્યું હતું કે, પહાડો પર વૃક્ષોનાં ગેરકાયદે છેદન જેવી ગતિવિધિઓ બદલ કુદરત બદલો લઇ રહી છે.

સર્વોચ્ચ અદાલતે આ મામલે કેન્દ્ર સરકારની સાથોસાથ હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને પંજાબ રાજ્યોની સરકારોને નોટિસ આપતાં ત્રણ સપ્તાહમાં જવાબ માગ્યો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નક્કર પગલાં લેવા પણ જણાવ્યું હતું. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તા મંડળ તેમજ પર્યાવરણ મંત્રાલયને પણ કોર્ટે નોટિસ આપી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઇ અને ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રનની ખંડપીઠે સોલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, આવી આફતો પાછળ પહાડો પર ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ મોટું કારણ છે.

પ્રકૃતિ બદલો લઇ રહી છે. આ માત્ર કુદરતી આફતનો મામલો નથી, પરંતુ કયાંક માનવસર્જિત અસરોથી સર્જાયેલું સંકટ છે, તેવું ખંડપીઠે કહ્યું હતું.

સોલિસીટર જનરલ મહેતાએ જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ મંત્રાલયના સચિવ પાસેથી વિગતો માગીશ. અરજદાર અનામિકા રાણાએ અરજીમાં કહ્યું હતું કે, હિમાચલમાં પૂર દરમ્યાન મોટી સંખ્યામાં લાકડીઓ વહીને આવી હતી, જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વૃક્ષો કપાયાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક