• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

સોમવારથી વિધાનસભાનું સાતમું સત્ર

પ્રથમ દિવસે શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા, ત્યારબાદ બે દિવસ પ્રશ્નોત્તરી, અન્ય કામકાજ ઉપરાંત 5 વિધયેક રજૂ થશે

અમદાવાદ, તા.3 : રાજ્યમાં આગામી 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન 15મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. 8મી સપ્ટેમ્બરના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ 9 અને 10ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત 5 વિધેયક રજૂ થશે.

સત્ર દરમિયાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025, નાણા વિભાગનું ગુજરાત માલ અને સેવા કર (દ્વીતિય સુધારા) વિધેયક, 2025, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025 તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025 અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025 રજૂ કરવામાં આવશે.    

વિધેયકની વિગતો આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારની વધુ તકો ઉભી કરવા માટે રાજ્ય સરકારે કામદારો માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આવશ્યક લાભો-સુરક્ષાના પગલાઓ સબંધી કાયદાકીય જોગવાઈઓ કરીને કામના કલાકોમાં સુધારા લાવવા માટે પગલા લેવા જરૂરી હોઇ વટહુકમ લાવવામાં આવ્યો હતો. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025 રજૂ કરવામાં આવશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા આ વિધેયક લાવવામાં આવશે.  

ઇ-પેપરના નવા શુલ્ક