પુતિન
અને કિમ જોંગ જિનપિંગ સાથે જોડાયા: અત્યાધુનિક મિસાઈલ, યુદ્ધ વિમાનો પ્રદર્શિત
બીજિંગ,
તા. 3 : ચીન દ્વારા 80મી વિકટ્રી ડે પરેડ કરવામાં આવી હતી. જેના હેઠળ બીજિંગમાં દેશની
અત્યારસુધીની સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત
પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના સંદેશમાં કહ્યું હતું કે, ચીન ક્યારેય કોઈના
દબાણમાં આવતું નથી અને કોઈથી ડરતું નથી. ચીનનો ઉદય હવે કોઈ રોકી શકે તેમ નથી. શીએ બીજિંગમાં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉ. કોરિયાના નેતા કિમ જોંગ ઉનની હાજરીમાં સંબોધન
કર્યું હતું અને ચીન અજેય હોવાનું કહ્યું હતું. પુતિન અને કિમ જોંગની શિ જિનપિંગ સાથેની
હાજરી ટ્રમ્પને એક કડક સંદેશ મોકલવાના ભાગરૂપે જોવામાં આવી રહી છે. આ પરેડમાં દુનિયાના
કોઈપણ ખુણે હુમલો કરી શકતી મિસાઈલ, સેટેલાઈટ તોડી શકતી મિસાઈલ વગેરેનું પણ પ્રદર્શન
કરવામાં આવ્યું હતું.
જિનપિંગે
ટેલિવિઝન ઉપર પ્રસારિત પોતાના ભાષણમાં કહ્યું હતું કે ચીનમાં થતા બદલાવોને રોકી શકાશે
નહી. ચીનનું માનવાતા, શાંતિ અને વિકાસનું લક્ષ્ય પ્રબળ થશે. માનવતા સામે ફરી એક વખત
શાંતિ અથવા યુદ્ધ, સંવાદ અથવા ટકરાવ, જીત અથવા ઝીરો સમ ગેમ વચ્ચે પસંદગીનો વિકલ્પ છે.
આ દરમિયાન ચીનના લોકો ઈતિહાસના યોગ્ય પક્ષમાં મજબુતી સાથે છે. જિનપિંગે આ સાથે આહવાન
કર્યું હતું કે સુરક્ષા ત્યારે જ સુનિશ્ચિત થઈ શકે જ્યારે દુનિયાભરના દેશ એકબીજા સાથે
સમાન વ્યવહાર કરે, સદભાવથી રહે અને એક બીજાનું પરસ્પર સમર્થન કરે.
ચીને
બુધવારે પોતાની વધતી કુટનીતિક અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવા દેશની અત્યાર સુધીની
સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કર્યું હતું. જેમાં અત્યાધુનિક (જુઓ પાનું 10)
યુદ્ધ વિમાન, મિસાઈલ અને ઈલેકટ્રોનિક યુદ્ધ હાર્ડવેર
પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પરેડમાં 26 વિદેશી નેતા સામેલ થયા હતા.
પરેડમાં
જેએલ-1 ન્યુક્લિયર મિસાઈલ અને ડીએફ-5સી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલે સૌનું
ધ્યાન ખેંચ્યું હતું. ડીએફ-5સીની રેન્જ 13,000 કિલોમીટરથી વધુની છે અને 10 સ્વતંત્ર
નિશાન લઈ શકતી મિસાઈલને લઈ જઈ શકે છે. આ ઉપરાંત
સીજે-1000 હાઈપરસોનિક અને ક્રુઝ મિસાઈલ અને એચક્યુ-29 એન્ટી બેલેસ્ટીક મિસાઈલ પણ બતાવવામાં
આવી હતી. એચક્યુ-29ને અંતરિક્ષમાં બેલેસ્ટીક મિસાઈલો અને સેટેલાઈટ્સને નિશાન બનાવવા
માટે બનાવવામાં આવી છે. ચીને નૌકાદળ અને વાયુસેનાના હથિયારોનું પણ પ્રદર્શન કર્યું
હતું. અંદાજીત દોઢ કલાક ચાલેલી પરેડનું સમાપન 80 હજાર સફેદ કબુતર અને રંગબેરંગી ગુબ્બારા
છોડીને કરવામાં આવ્યું હતું.