બંગલાદેશ,
અફઘાન, પાક.થી આવેલા અલ્પસંખ્યકો પાસપોર્ટ કે અન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ વિના ભારતમાં
રહી શકશે
નવી
દિલ્હી, તા. 3 : કેન્દ્ર સરકારે ધાર્મિક ઉત્પીડનથી બચીને ભારત આવેલા અફઘાનિસ્તાન, બંગલાદેશ
અને પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયોને મોટી રાહત આપી છે. ગૃહ મંત્રાલયે એક આદેશમાં
કહ્યું છે કે, હિંદુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના એવા લોકો કે જે
31 ડિસેમ્બર 2024 સુધીમાં ભારત આવ્યા છે, તેઓને પાસપોર્ટ કે અન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ
વિના પણ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે સાથે જ સરકારે નેપાળ અને ભુતાનનાથી આવતા
લોકો માટે પાસપોર્ટની છૂટને યથાવત રાખી છે.
આ આદેશ
ઈમીગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળ જારી કરવામાં આવ્યો છે. જેના હેઠળ એવા લોકોને
રાહત મળશે જે માન્ય પાસપોર્ટ કે વિઝા વિના ભારતમાં આવ્યા છે અથવા તો ડોક્યુમેન્ટની
વૈધતા પુરી થઈ ચુકી છે. ગૃહ મંત્રાલયે આદેશમાં કહ્યું છે કે એવા લોકો કે જે ધાર્મિક
ઉત્પીડન કે તેના ભયથી ભારત આવ્યા છે અને 31 ડિસેમ્બર 2024 સુધીમાં દેશમાં પ્રવેશ કરી
ચુક્યા છે તેઓને પાસપોર્ટ કે વીઝા રાખવાના નિયમથી છૂટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય
છે કે સીએએ ગયા વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો. જેના હેઠળ અફઘાનિસ્તાન, બંગલાદેશ અને
પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાય- હિંદુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ 31 ડિસેમ્બર
2014 સુધી ભારત આવી ચુક્યા હોય તો ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ઘણા લોકો
2014 બાદ પણ ધાર્મિક ઉત્પીડનથી બચીને ભારત આવ્યા હતા. જેમાં ખાસ કરીને પાકિસ્તાનથી
આવેલા હિંદૂઓની સંખ્યા વધારે છે. આવા લોકો માટે ગૃહ મંત્રાલયનો આદેશ મોટી રાહત આપનારો
છે કારણ કે હવે આવા લોકોને ભારતમાં રહેવા માટે પાસપોર્ટ કે વીઝા બતાવવાની જરૂર રહેશે
નહી.
વધુમાં
કહેવાયું છે કે નેપાળ અને ભુતાનના નાગરિકોની સાથે સાથે બન્ને પાડોશી દેશથી સડક અથવા
હવાઈ માર્ગે ભારતમાં પ્રવેશ કરનારા ભારતીયોને પહેલાની જેમ પાસપોર્ટ કે વીઝા પ્રસ્તુત
કરવાની જરૂરીયાત રહેશે નહી. સરકારી આદેશ અનુસાર ભારતીય સેના, નૌકાદળ અથવા વાયેનાના
સભ્ય કે જે ડયુટી ઉપર ભારતમાં પ્રવેશ કરે છે અથવા તો બહાર જાય છે તેઓને પાસપોર્ટ કે
વીઝા રાખવાની જરૂરિયાત રહેશે નહી.