પરોક્ષ
વેરામાં પ્રત્યક્ષ રાહત : જીએસટી કાઉન્સિલની બેઠકમાં 5 અને 18 ટકાનાં ફક્ત બે રાખવાની
સ્લેબની દરખાસ્તને બહાલી : 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
કરપ્રણાલીમાં
ધરખમ પરિવર્તન, સ્લેબનાં એકીકરણ અને સરળીકરણનાં નિર્ણય આજે થશે જાહેર : સ્લેબ ઘટવા
સાથે આવશ્યક ચીજોનાં ટેક્સમાં મળશે મોટી રાહત
ટૂથપેસ્ટથી
માંડીને સિમેન્ટ, ટ્રેકટરથી લઈને કાર, નોટબુકથી માંડીને જૂતા અને કપડા થશે સસ્તા: આવશ્યક
ચીજોમાં એકંદરે 10 ટકા સુધીની રાહત
ટેરિફ
સામે ભારતનું ટ્રમ્પ કાર્ડ
જીએસટીમાં
કાપથી અર્થવ્યવસ્થા મજબૂત થશે: મોદી
નવી
દિલ્હી, તા.3: સ્વતંત્રતા દિવસે લાલકિલ્લા ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ઘોષણા
બાદ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી જીએસટીમાં રાહત આપતી સરળીકરણ અને એકીકરણની
પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની
અધ્યક્ષતામાં આજથી જીએસટી કાઉન્સિલની 56મી બેઠક શરૂ થઈ હતી અને જીએસટીનાં ચાર સ્લેબને
ઘટાડીને બે કરવાનાં પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવી જીએસટી વ્યવસ્થા
22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રીમાં પહેલા નોરતાથી જ લાગુ થઈ જશે. જીએસટીમાં પ અને
18 ટકાનાં બે સ્લેબ જ રહેશે. જ્યારે 12 અને 28 ટકાનાં સ્લેબ નાબૂદ કરી દેવામાં આવ્યા
છે. નવા જીએસટી માળખામાં મોટાભાગની આવશ્યક ચીજો પ ટકાનાં સ્લેબમાં આવરી લેવામાં આવી
છે ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગને મોંઘવારીમાં ખુબ મોટી રાહત મળવા જઈ રહી છે.
ઉપરાંત
વીમાનાં પ્રીમિયમમાં ઘટાડો થાય તેવી રાહતકારી વ્યવસ્થાની આશા પણ પરીપૂર્ણ થઈ છે અને
પ્રીમિયમ ઉપર જીએસટી શૂન્ય થઈ રહ્યો છે.
નાણામંત્રી
નિર્મલા સીતારમણે આજે જીએસટી કાઉન્સીલની બેઠક બાદ આ વિશે ઘોષણાઓ કરતાં કહ્યું હતું
કે, સરકારનું ધ્યાન દેશનાં આમઆદમી ઉપર છે. કિસાનોથી માંડીને શ્રમિકોને ધ્યાને રાખીને
જીએસટીનાં સ્લેબ ઘટાડવામાં આવ્યા છે. બેઠકમાં સામેલ તમામ રાજ્યોનાં નાણામંત્રીઓએ આ
નિર્ણયોને સમર્થન આપ્યું છે.
કાઉન્સિલની
બેઠકમાં કુલ મળીને 400 ચીજવસ્તુઓ અને સેવાઓનાં વેરામાં ઘટાડા ઉપર ગહન મંથન કરવામાં
આવ્યું હતું. જેમાં 17પ જેટલી ચીજોમાં કમસેકમ 10 ટકા જેટલી ટેક્સ રાહત મળવાની પ્રબળ
સંભાવના છે. જો કે આજે સત્તાવાર ઘોષણામાં આ વિશે હજી સુધી તમામ સ્પષ્ટતાઓ થઈ નથી એટલે
ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થઈ શકે છે.
પરોક્ષ
કરવેરાની આ 8 વર્ષ જૂની વ્યવસ્થાનાં માળખામાં ધરખમ ફેરફારો અમલી બનવા જઈ રહ્યા છે.
ત્યારે વિપક્ષ શાસિત રાજ્યો તરફથી જીએસટીની વસૂલાત ઘટવાનાં અનુમાન સાથે રાજ્યોને મહેસૂલી
સંરક્ષણ ઉપરાંત જે કોઈપણ બદલાવ કરવામાં આવે તેનો પૂરો લાભ ગ્રાહકોને મળે તેવા ઉપાયો
પણ કરવાની માગણી ઉઠાવી છે.
રાજધાની
દિલ્હીમાં આજે જીએસટી પરિષદની બેઠક ચાલી રહી હતી ત્યારે બીજીબાજુ વિપક્ષી રાજ્યો તરફથી
કાઉન્સિલ સમક્ષ કેટલીક માગણીઓ કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ,
પંજાબ, તામિલનાડુ, તેલંગણ અને પશ્ચિમ બંગાળ તરફથી કહેવામાં આવ્યું હતું કે, જીએસટીનાં
સ્લેબમાં ઘટાડો કરવામાં આવતાં આ સુધારાનો લાભ કંપનીઓનાં બદલે ગ્રાહકોને પહોંચે તેની
કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત રાજ્યને આ નવી વ્યવસ્થામાં થનારા મહેસૂલી ઘટાડાની ભરપાઈ
કરી આપવા માટેની વ્યવસ્થા, વળતર માટે ખાસ યોજના આપવાની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય
છે કે, ફક્ત વિપક્ષનાં રાજ્યો જ નહીં બલ્કે કેટલાક ભાજપ શાસિત રાજ્યો તરફથી પણ મહેસૂલી
નુકસાન અંગે પોતાની ચિંતા દર્શાવી છે. જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનાં
કહેવા અનુસાર પ્રસ્તાવિત સુધારાથી તેમનાં કેન્દ્રીય પ્રદેશની મહેસુલી આવક 10થી 12 ટકા
જેટલી ઘટી શકે છે. તો ઝારખંડનાં નાણામંત્રી રાધાકૃષ્ણ કિશોરે કહ્યું હતું કે, તેમનાં
રાજ્યને 2 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. તેમનાં કહેવા અનુસાર જો કેન્દ્ર સરકાર તેની ભરપાઈ કરવા માટે સહમત થઈ જાય
તો આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં કોઈ સમસ્યા નથી.
આ ચિંતાનું
પ્રમુખ કારણ કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધીનાં સૌથી મોટા જીએસટી ઘટાડા માટે કરવામાં
આવેલી દરખાસ્ત છે. સરકારનાં આ નિર્ણયનો હેતુ અમેરિકા તરફથી લાદવામાં આવેલા પ0 ટકા ટેરિફનાં
કારણે સર્જાયેલા પડકારો વચ્ચે ઘરેલુ માગને પ્રોત્સાહિત કરવાનો છે.
પ્રાપ્ત
અહેવાલો અનુસાર જીએસટીમાં 175 જેટલી વસ્તુઓ ઉપર કમસેકમ 10 ટકા જેટલી રાહત મળવાની સંભાવના
છે. વર્તમાનમાં જીએસટીનાં ચાર સ્લેબ- પ, 12, 18 અને 28 ટકા છે અને તેને ઘટાડીને પ અને
18 ટકા, એમ બે સ્લેબ કરવાનો પ્રસ્તાવ છે. આમાં પાંચ ટકાનાં સ્લેબમાં આવશ્યક ચીજો અને
18 ટકામાં તેનાં સીવાયની વસ્તુ અને સેવાઓને સમાવવામાં આવશે. આ ઉપરાંત તમાકુ સહિતની
હાનિકારક ચીજો અને 50 લાખથી મોંઘી કિંમતી મોટરકારો માટે 40 ટકાનો અલગ સ્લેબ રાખવામાં
આવી શકે છે.
નવા
પ્રસ્તાવ અનુસાર 12 ટકાની શ્રેણીમાં આવતી આશરે 99 ચીજો જીએસટી કાઉન્સિલના નિર્ણય પછી
5 ટકાનાં સ્લેબમાં આવી શકે છે. આમાં માખણ, ફળનાં જ્યૂસથી લઈને સૂકામેવા સહિતની ચીજોનો
સમાવેશ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘી, પીવાનું પાણી, નમકીન, જૂતા, કપડાં, દવાઓ અને તબીબી
ઉપકરણો જેવી મોટાભાગની આવશ્યક ચીજો પણ 12 ટકાનાં બદલે હવે 5 ટકાનાં જીએસટી સ્લેબમાં
આવી શકે છે.
જે
વસ્તુઓનાં જીએસટીમાં ઘટાડો થઈ શકે છે તેમાં ટૂથપેસ્ટ, શેમ્પૂ, સાબુ, ટેલ્કમ પાઉડર,
માખણ, પનીર, છાશ જેવા ડેરી ઉત્પાદન, જામ, અચાર, નમકી, ચટણી સહિતની રેડી ટૂ ઈટ ફૂટ,
ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, નાની કાર, હાઈબ્રિડ કાર,
સ્કૂટર, મોટર સાઈકલ જેવા ખાનગી વાહનોમાં જીએસટીમાં મોટી રાહત થઈ શકે છે. જ્યારે જીવન
અને સ્વાસ્થ્ય વીમા ઉપરથી જીએસટી હટાવી લેવામાં આવે તેવી પણ શક્યતા છે. 2પ00 રૂપિયા
સુધીનાં કપડા અને જૂતાને પણ પ ટકાની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હોવાનું સુત્રો પાસેથી
જાણવા મળ્યું છે.