-ગોઝારી
દુર્ઘટના બાદ સરકારનું એક જ રટણ કે તપાસ થશે
-સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના સિટીંગ જજની અધ્યક્ષતાવાળી સમિતિ આખા મુદ્દાની તપાસ કરેની માગ
અમદાવાદ,
તા. 9: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહન નદીમાં
ખાબકી ગયા છે જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં
જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 14 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના
બાદ કોંગ્રેસ, આપ અને શંકરાસિંહ સહિતે ભાજપ સરકારની ઝાટકણી કાઢતાં મુખ્યમંત્રીના રાજીનામાની
માગ કરી હતી. કોંગ્રેસે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને દુર્ઘટના નહીં પણ સરકારની
બેદરકારીનું પરિણામ ગણાવી છે.
આ ઘટનાના
પ્રત્યાઘાતમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે
સાડા છ કરોડની જનતા પોતાની સુવિધા, સુખાકારી અને સલામતી માટે ટેક્સ આપે છે, નહીં કે
કોઇ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કે મંત્રીઓના ખિસ્સા ભરવા માટે. માર્ગ અને મકાન વિભાગ
મુખ્યમંત્રી હસ્તક છે અને તેમની સીધી દેખરેખ હેઠળ છે અને તેની જવાબદારી મુખ્યમંત્રીની
છે. માર્ગ અને મકાન વિભાગ કમિશન અને કમલમના ચક્કરમાં આજે ગુજરાતની જનતાનો ભોગ લેવાઇ
રહ્યંy છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થોડા વર્ષોની અંદર 13 કરતા વધુ
બ્રિજ તૂટી પડયા છે અને ગત વર્ષની વાત કરીએ તો 2022માં સાત કરતા વધુ બ્રિજ તૂટી પડયા
છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું
હતું કે ગંભીર ઘટનાઓ બને છે છતાં રાજ્ય સરકારના પેટનું પાણી નથી હલતું. ગોઝારી દુર્ઘટના
બાદ સરકારનું એક જ રટણ કે તપાસ થશે. આ પ્રકારના જવાબો એ સરકારની આંખ મીંચામણા થતા રહે
છે તેમજ તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાય છે. કોંગ્રેસે ઘટનાની ન્યાયી
અને પારદર્શક તલસ્પર્શી તપાસની માગ છે તેમજ
સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના સિટીંગ જજની અધ્યક્ષતાવાળી સમિતિ આખા મુદ્દાની તપાસ કરે
જેથી સત્ય સામે આવશે.
આ બાબતે
શંકરાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે 30 વર્ષના શાસનમાં ભાજપનો ભ્રષ્ટાચાર અજગર બની
આખા ગુજરાતને ધીમે ધીમે ગળી રહ્યો છે. આજે ભાજપ પ્રજાને પોતાની ગુલામ ગણી રહી હોય તેમ
પોતાની મનમાની કરી રહી છે અને જ્યારે જનતા સવાલ પૂછવાનું ભૂલી જાય ત્યારે આવા બેદરકાર
શાસકોની હિંમત આકાશ તળે પહોંચે છે. પરિણામે સમાન્ય લોકો મૃત્યુને ભેટે છે.
ગુજરાત
આપના પ્રમુખ ઇસુદાન ગઢવીએ ભાજપ સરકારને ભ્રષ્ટ ગણાવતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ
કરી હતી. સોશિયલ મીડિયા પર પોતાનો સંદેશ આપતાં કહ્યું હતું કે પાદરાના મુજપુર પાસે
ગંભીરા બ્રિજ તૂટી પડયો છે. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે સરકાર અને ભાજપના નેતાઓને
મારો એક સવાલ છે. ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમે સારી વ્યવસ્થા આપો અને વ્યવસ્થા
આપવાના બહાને તે તમને નાણા આપે. એ નાણા ભ્રષ્ટાચાર કરીને તમે ખાઇ જાવ અને મરે પણ જનતા
તેવો વેધક સવાલ પૂછયો હતો.