-રેલી,
સૂત્રોચ્ચાર, પ્લેકાર્ડ પ્રદર્શિત કરી સરકાર સમક્ષ જુદા જુદા પ્રશ્ને માગણીઓ રજૂ કરી
અમદાવાદ/રાજકોટ,
તા. 9: દેશમાં વિવિધ પડતર માગો સાથે કર્મચારીઓના 10 કેન્દ્રીય યુનિયનોએ ભારત બંધની
જાહેરાત કરી હતી. જેમાં રાજકોટ સહિત રાજ્યભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાળમાં બેંક-વીમા કર્મચારી,
આંગણવાડી બહેનો સહિતના યુનિયન જોડાયા હતા. પબ્લિક સેક્ટરની બેંકમાં ભરતી ન થતા કર્મચારીઓ
હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો. લાઈફ ઇન્સોરન્સ અને મેડિકલમાંથી જીએસટી દૂર કરવાની
પણ કર્મચારીઓ માગ છે. આ ઉપરાંત નેશનલ બેંકનું ખાનગી અટકાવવું તેમજ બેંકમાં લગાવેલા
ચાર્જ દૂર કરવા સહિતના મુદ્દાઓ અંગે કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે.
આ હડતાલમાં
હજારોની સંખ્યામા કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. તેમણે મોંઘવારી, બેરોજગારી અને કર્મચારીઓના
હકોના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો. રેલી દરમિયાન, દેખાવકારોએ ‘મજદૂર વિરોધી-4 લેબર
કોડ રદ કરો’, ‘મોંઘવારી પર રોક લગાવો’, ‘બેરોજગારને કામ આપો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા
હતા અને સરકાર વિરોધી પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા.
મહાગુજરાત
બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું હતું કે, આજે કામદાર, કર્મચારીઓ,
કિસાનો હડતાળ પર છે. દેશભરમાંથી લગભગ 25 કરોડ કામદાર મજૂરો આ હડતાળમાં જોડાયા છે. અમારી
મુખ્ય માગણીઓ એ છે કે સરકાર જે મજૂર કાયદામાં સુધારા કરી રહી છે, તેનાથી કામદાર કર્મચારીઓનું
નુકસાન થશે. બેંકોમાં ભરતી ન થવાથી ગ્રાહકો અને કર્મચારીઓને પણ તકલીફ પડી રહી છે. નવા
નવા ચાર્જ દાખલ કરવામાં આવ્યા છે જેનાથી સામાન્ય ગ્રાહકોને તકલીફ પડી રહી છે. આ બધા
મુદ્દાઓને લઈને આજે અમે હડતાળ પર છીએ.
ધારીમાં
આગંણવાડીની મહિલાઓએ મહિલા બાળવિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
કર્મચારીઓની
શું છે મુખ્ય માગણી
કર્મચારીઓની
મુખ્ય માગણીઓમાં મજદૂર વિરોધી ચાર લેબર કોડ રદ કરવા, મોંઘવારી પર નિયંત્રણ લાવવું,
બેરોજગારોને રોજગારી આપવી, આંગણવાડી, આશા અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને સરકારી
કર્મચારીનો દરજ્જો આપવો, તમામને માસિક રૂ. 26,000 લઘુતમ વેતન આપવું, તમામને માસિક રૂ.
10,000 પેન્શન આપવું, સરકારી સાહસોનું ખાનગીકરણ બંધ કરવું અને જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત
કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ હડતાલ
અન્વયે જામનગરમાં બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. હડતાલને કારણે બેંક, પોસ્ટ,
વીમા સહિતની સેવામાં વિક્ષેપ ઉભો થયો હતો. બેંકમાં કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડયા
હતા.
ભાવનગરમાં
સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ દ્વારા હડતાલને સમર્થન જાહેર કરાતા બેંક, એલઆઈસી,
પોસ્ટ વગેરેના કર્મચારીઓ કામકાજથી અગળા રહ્યા હતા.
ઉપલેટામાં
કામદાર હડતાલના ટેકામાં કિસાન સભાએ રેલી યોજી દેખાવો કર્યા હતા. મોરબીમાં આંગણવાડી
કર્મચારી સંગઠન દ્વારા પોષણ ટ્રેકની અને બીએલઓની કામગીરી સહિતના પ્રશ્ને કલેક્ટરને
આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરાયું હતું.