• શુક્રવાર, 11 જુલાઈ, 2025

ભારત બંધ મિશ્ર : જનજીવન સામાન્ય

-10 ટ્રેડ યુનિયનો, ખેડૂત સંગઠનોના સંયુક્ત બંધથી વેપારીઓ અળગા : બેંકો-પોસ્ટ-બસ સેવા આંશિક ખોરવાઈ, બિહારમાં સજ્જડ-દિલ્હીમાં નહીંવત અસર

 

નવી દિલ્હી, તા.9 : કેન્દ્ર સરકારની મજદૂર વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિના વિરોધમાં દેશના 10 મુખ્ય ટ્રેડ યુનિયનો, ખેડૂત સંગઠનોના સંયુક્ત મંચે બુધવારે આપેલા ભારત બંધના એલાનની અસર મિશ્ર રહી છે. શાળા-કોલેજો, વેપાર-ધંધા નિયમિત રીતે ખુલ્યા હતા. જનજીવન સામાન્ય હતું. કોઈ મોટી અનિચ્છનીય ઘટના ઘટી ન હતી.

બંગાળમાં ટીએમસી અને ટ્રેડ યુનિયનના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. મધ્યપ્રદેશમા બેંકોમાં કામગીરી ઠપ રહી હતી. દેશના અલગ અલગ ભાગોમાં બંધ દરમિયાન રેલી, ધરણાં પ્રદર્શન અને નારેબાજી કરવામાં આવી હતી. બિહારમાં ભારત બંધની સજ્જડ અને રાજધાની દિલ્હીમાં નહીંવત અસર જોવા મળી હતી. દેશમાં બંધની એકંદરે મિશ્ર અસર રહી છે. વેપારી સંગઠનોએ ભારત બંધથી છેડો ફાડયો હતો. મુખ્યત્વે બેંકો અને પોસ્ટ સેવાને અસર થઈ હતી. ભારત બંધના એલાન સાથે ટ્રેડ યુનિયને દાવો કર્યો હતો કે રપ કરોડ કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે. બંધની શરૂઆત સાથે સ્થાનિક પ્રશાસને સાવચેતી દાખવી અટકાયતી પગલાં લીધા હતા. દેશમાં અનેક જગ્યાએ બંધ સમર્થકોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું ક્યાંક બસો રોકવાનો પ્રયાસ થયો હતો.

દિલ્હીમાં જંતરમંતર ખાતે ભારતીય કેન્દ્રિય ટ્રેડ યુનિયન પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. બંગાળના હલ્દિયામાં બંદર રેલવે સ્ટેશન ખાતે માકપા સમર્થકોએ ટ્રેક ઉપર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. દિલ્હી ઉપરાંત યુપી, એમપી, હરિયાણા, રાજસ્થાન સહિત ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં બંધની નહીંવત જેવી અસર રહી હતી. કોલકત્તામાં ડાબેરી દળોના યુનિયનોના કાર્યકરો રસ્તા ઉપર ઉતર્યા અને પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. કેરળમાં કોચી ખાતે સવારથી રસ્તાઓ ખાલી હતા. રાજયમાં જનજીવન ઠપ થયા જેવી સ્થિતિ હતી. ઝારખંડમાં રાંચી ખાતે સીએમપીડીઆઈ મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતુ. અનેક રાજ્યમાં સરકારી બસો રાબેતા મુજબ દોડી હતી. એસટી નિગમના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હોવા છતાં અમુક બસો રદ થયા સિવાય બસ સેવાને ખાસ કોઈ અસર થઈ ન હતી. અમુક રાજયમાં વીજ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. હરિયાણામાં 3 લાખ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યાના દાવા વચ્ચે બંધની અસર મિશ્ર રહી હતી. તમિલનાડુમાં નહીંવત સમાન અસર રહી અને જનજીવન તથા સરકારી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી. આસામમાં સરકારી બસ સેવાને આંશિક અસર થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક