-વર્ષમાં
ત્રીજી વખત જગુઆર ક્રેશ થયું : અગાઉ જામનગર અને અંબાલામાં બની હતી દુર્ઘટના
જયપુર,
તા. 9 : રાજસ્થાનના ચુરૂમાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું હતું. આ
બનાવમાં વિમાનના પાયલોટ અને કો-પાયલોટ શહીદ થયા છે. આ બનાવ બુધવારે બપોરના સમયે બન્યો
હતો અને વિમાનના કાટમાળ આસપાસથી ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પૂરા બનાવની
તપાસ માટે ભારતીય વાયુ સેના દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરી ગઠિત કરી છે. ચાલુ વર્ષે જગુઆર ફાઈટર જેટ ક્રેશ થવાનો ત્રીજો
બનાવ બન્યો છે. આગાઉ જામનગર અને અંબાલામાં જગુઆર ક્રેશ થયા હતા.
સૂત્રો
અનુસાર જગુઆર ફાઈટર જેટ શ્રીગંગાનગર પાસે સુરતગઢ એરબેઝથી નીકળ્યું હતું. જગુઆર ટુ સીટર
હતું અને સામાન્ય રીતે તાલિમ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. દુર્ઘટનાના સમાચાર ફેલાતાની
સાથે જ હડકંપ મચ્યો હતો. ક્લેક્ટર અને સ્થાનિક પોલીસ અધિકારી તાકીદે સ્થળ ઉપર પહોંચ્યા
હતા. સેનાની રેસ્ક્યૂ ટીમ પણ પહોંચી ગઈ હતી. જેથી વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી
શકાય. કહેવાય છે કે ટેકનિકલ ખામીના કારણે પાયલોટ અને કો-પાયલોટ વિમાનમાંથી ઈજેક્ટ થઈ
શક્યા નથી અને બન્ને શહીદ થયા છે. આ મામલે સેના દ્વારા વિસ્તૃત માહિતી જારી કરવામાં
આવશે.
ગામના
લોકોના કહેવા પ્રમાણે વિમાન ક્રેશ થતાં જ ખેતરમાં આગ લાગી હતી. જેને બુઝાવવા માટે લોકો
દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે ત્રીજી વખત જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું
છે. 3 એપ્રિલ 2025ના જામનગરમાં, 7 માર્ચના અંબાલામાં અને નવ જુલાઈના રોજ રાજસ્થાનના
ચુરૂમાં ભારતીય વાયુસેનાનું ફાઈટર જેટ જગુઆર ક્રેશ થયું છે.