• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

આજે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટી-20 : બેંચ સ્ટ્રેન્થ અજમાવશે સૂર્યકુમાર ઓસ્ટ્રેલિયાની ટીમ ઉપર શ્રેણી સન્માજનક સ્થિતિમાં પૂરી કરવાનું દબાણ

નવી દિલ્હી, તા. 2: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી20 મેચની શ્રેણીનો અંતિમ મુકાબલો રવિવારે બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતે આ શ્રેણીમાં 3-1થી અજેય સરસાઈ મેળવી લીધી છે. તેવામાં ઓસ્ટ્રેલિયાની ટીમ સન્માનની લડાઈ માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાએ ચોથા ટી 20 મેચમાં 20 રને જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમે શ્રેણી પોતાનાં નામે કરી હતી.

પાંચમા ટી20માં ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રેણીને 3-2થી પૂરી કરવા માટે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ ભારતીય ટીમ શ્રેણીમાં 4-1થી જીત મેળવવા ઈચ્છશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેચમાં બેન્ચ સ્ટ્રેન્થને તક આપી શકે છે. શ્રેણીમાં અત્યારસુધીમાં જે ખેલાડીઓને રમવાની તક નથી મળે તેને અંતિમ ટી20મા પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. જેમાં શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરનું નામ સામેલ છે.

શ્રેણીના પાંચમા અને અંતિમ ટી20 મુકાબલામાં ભારતીય પ્લેઇંગ ઈલેવનમાં શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે. વોશિંગ્ટન સુંદર ટીમમાં સામેલ થાય તો અક્ષર પટેલ અથવા તો રવિ બિશ્નોઈને આરામ અપાશે. જ્યારે શિવમ દુબેને રિંકુ સિંહની જગ્યાએ રમાડવામાં આવી શકે છે. રિંકુએ અત્યારસુધીમાં શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું છે. ચોથા ટી20મા રિંકુએ 29 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી.

શ્રેણીનો પહેલો મેચ ભારત બે વિકેટે જીત્યું હતું જ્યારે બીજા ટી20માં ટીમ ઇન્ડિયાને 44 રને જીત મળી હતી. ત્રીજા ટી20મા ઓસ્ટ્રેલિયાએ જીત મેળવીને શ્રેણી જીવંત રાખવાની કોશિશ કરી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને પાંચ વિકેટે જીત મળી હતી.જો કે ચોથો ટી20 મેચ ભારતીય ટીમે 20 રને પોતાનાં નામે કરી લીધો હતો અને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી હતી.

 

Budget 2024 LIVE