એશિયા
કપનું ભારતમાં આયોજન : પાક. ટીમના મેચ તટસ્થ સ્થળે રમાશે
નવી
દિલ્હી, તા.29: ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે નજીકના ભવિષ્યમાં ફરી એકવાર ટક્કર
જોવા મળી શકે છે. પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ટીમ ઇન્ડિયા એશિયા કપનો હિસ્સો
બનશે નહીં. હવે એવું જાણવા મળે છે કે એશિયા કપનું આયોજન સપ્ટેમ્બરમાં થશે અને આ વખતે
ટી-20 ફોર્મેટમાં રમાશે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ 6 ટીમ હશે.
જો કે
આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચ રમશે કે નહીં તે નિશ્ચિત નથી. પહેલગામ
આતંકી હુમલા અને સિંદૂર ઓપરેશન પછી ભારતીય ટીમે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચથી પણ દૂર
રહે તેવી પૂર્વ ખેલાડીઓ હિમાયત કરી રહ્યા છે.
હાલ
જે રિપોર્ટ સામે આવ્યા છે તે અનુસાર એશિયા કપ-202પનું આયોજન 10 સપ્ટેમ્બરથી થશે. જુલાઈના
પહેલા સપ્તાહમાં શેડયૂલ જાહેર થશે. ભારત-પાકિસ્તાનનો મેચ તટસ્થ સ્થળે રમાશે. જે મોટાભાગે
દુબઇમાં રમાશે.
એશિયા
કપમાં ભારત-પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન અને યૂએઇ ટીમ ભાગ લેશે.
આ વખતે એશિયા કપની યજમાની ભારત પાસે છે. પાકિસ્તાન ટીમના તમામ મેચ તટસ્થ સ્થળ પર રમાશે.
છેલ્લે એશિયા કપ હાઇબ્રિડ મોડેલ પર 2023માં પાકિસ્તાન-શ્રીલંકામાં રમાયો હતો ત્યારે
ફાઇનલમાં શ્રીલંકાને હાર આપી ભારતે આઠમી વખત ખિતાબ કબજે કર્યો હતો.