મહારાષ્ટ્રના ન્હાવા શેવા પોર્ટ
સિવાયના તમામ રસ્તે રોકની અમલવારી
નવી દિલ્હી, તા. 29 : ભારત અને
બંગલાદેશ વચ્ચે વધી રહેલા વ્યાપાર તણાવ દરમિયાન ભારત સરકારે એક મોટો નિર્ણય લેતા બંગલાદેશને
ઝટકો આપ્યો છે. જેના હેઠળ બંગલાદેશથી શણ અને તેના સંબંધિત ફાઈબર પ્રોડક્ટસના આયાત માટેના
મોટાભાગના રૂટ ઉપર તત્કાળ પ્રભાવથી પ્રતિબંધ લાદી દેવાયો છે. બંગલાદેશી શણના પ્રવેશને
માત્ર એક મહારાષ્ટ્રના ન્હાવા શેવા પોર્ટેથી મંજૂરી રહેશે. સરકાર તરફથી આ નિર્ણય અવૈધ
વ્યાપાર ઉપર અંકુશ લાદવ અને ઘરેલુ શણ ઉદ્યોગની સુરક્ષા માટે લેવાયો છે.
વાણિજ્ય મંત્રાલય હેઠળ આવતા વિદેશ
વ્યાપાર મહાનિદેશાલયે આ આદેશ જારી કર્યો છે. જેના અનુસાર દેશભરના તમામ જમીની રસ્તા
અને પોર્ટેને સામેલ કરવામાં આવ્યા છે. જેનાથી ન્હાવા શેવાને છોડીને તમામ રસ્તે બંગલાદેશી
શણ ઉત્પાદનની આયાત ઉપર પ્રભાવી રૂપથી રોક લાગી છે. દક્ષિણ એશિયન મુક્ત વ્યાપાર ક્ષેત્ર
હેઠળ બંગલાદેશી શણને લાંબા સમયથી ભારતીય બજારમાં ડયુટી ફ્રી પહોંચ મળતી હતી.