અલગ અલગ નદીઓમાં ઉફાણો : ઉત્તરાખંડમાં ડઝનેક સ્થળે ભૂસ્ખલન, હિમાચલમાં 390 રસ્તા ઠપ, અત્યાર સુધીમાં 44ના મૃત્યુ
નવી
દિલ્હી, તા. 30 : દેશભરમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં
રવિવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યના 390 રસ્તે
વાહનોની અવરજવર બંધ થઈ છે જ્યારે ચોમાસાની શરૂઆત બાદથી અત્યારસુધીમાં રાજ્યમાં 44 લોકો
જીવ ગુમાવી ચૂક્યા છે. હિમાચલના બદ્દી વિસ્તારમાં બાલ્ડ નદીમાં ઉફાણો આવ્યો છે. મંડીની
જૂની ખડ્ડ અને બ્યાસ નદીમાં જળસ્તર વધ્યું છે. પુરા દેશમાં ચોમાસુ પહોંચી ગયા બાદ હવે
હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે
વરસાદનું રેડએલર્ટ જારી કર્યું છે. હવામાન
વિભાગે ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, દેહરાદૂન, ટિહરી, પૌડી, હરિદ્વાર અને નૈનીતાલ સહિત
ઉત્તરાખંડના ઘણા જીલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું હતું. ઉત્તરાખંડના
ઉત્તરકાશીમાં રવિવારે વાદળ ફાટવાથી બે શ્રમિકના મૃત્યુ થયા હતા અને સાત લાપતા બન્યા
હતા. આ દરમિયાન ઉત્તરાખંડ સરકારે તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ચારધામ યાત્રા
એક દિવસ માટે રોકવાનો નિર્ણય કર્યો હતો.
વરસાદના
કારણે યમુનોત્રી હાઈવે ઉપર સિલાઈ બેંડ, રૂદ્રપ્રયાગમાં જખોલી, અગત્સયમુની, ચમોલીમાં
કમેડા અને ઉમટા, પૌડીમાં ગુમખલ કુલ્હાડ બેંડ, ટિહરીમાં સૈંણ સુનહરીગાડ પાસે અને નરેન્દ્રનગર
સહિત અંદાજીત ડઝનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. હિમાચલ પ્રદેશમાં પણ ચાર જિલ્લામાં
ભારેથી અતિભારે વરસાદનું રેડએલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
ચિનાબનું
જળસ્તર વધ્યું : જમ્મુ-કાશ્મીરના રિયાશી, રામવનમાં વરસાદ શરૂ થયા બાદ બગલિહાર ડેમના
ત્રણ ગેટ ખોલવામાં આવ્યા હતા, તો ચિનાબ નદીનું જળસ્તર વધ્યું હતું. સલાલ ડેમના પણ
12 ગેટ ખોલાયા હતા. ઉત્તરકાશીમાં નેશનલ હાઈવે પર ભેખડો ધસી પડતાં માર્ગ અવરોધાયો હતો.
બાલાસોરમાં અત્યાર સુધીમાં 35 ગ્રામ પંચાયત પૂરથી અસરગ્રસ્ત થઈ હતી અને મયૂરભંજમાં
પૂરના પાણી ઘુસ્યા હતા, જેના લીધે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઝારખંડમાં
પુલ ધોવાયો : ઝારખંડના લાતેહાર જિલ્લામાં સોમવારે ભારે વરસાદને કારણે એક પુલ ધોવાઈ
ગયો હતો અને લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડી હતી. ભારે વરસાદના પગલે રાજ્યમાં
રેડ એલર્ટ જારી કરાયું હતું, દક્ષિણ ઓરિસ્સામાં મુખ્ય નદીઓમાં પાણી ભરાઈ જવાના કારણે
રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કર્યું હતું.
પંજાબમાં
માર્ગ ધસ્યો : બીજી તરફ સોમવારની સવારથી પંજાબ અને હરિયાણામાં વરસાદ શરૂ થયો હતો. ચંદીગઢમાં
વરસાદ બાદ સેક્ટર 47-48 પાસે રસ્તાનો એક ભાગ ધસી પડયો હતો.
રાજસ્થાનના
સિરોહીમાં નિર્માણાધીન પુલ પાસે પાણીના જોરદાર પ્રવાહમાં કાર ફસાઈ હતી. જો કે, કારમાં સવાર ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા
હતા.
વરસાદ
બાદ ચારધામ યાત્રા ફરી શરૂ
ભારે
વરસાદ બાદ, ચારધામ યાત્રા પરનો 24 કલાકનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ગઢવાલ વિભાગીય
કમિશનર વિનય શંકર પાંડેએ સોમવારે જણાવ્યું હતું કે યાત્રા રૂટ પર આવતા જિલ્લાઓના જિલ્લા
મેજિસ્ટ્રેટને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનો રોકવાની સૂચના આપવામાં આવી
છે.