• મંગળવાર, 01 જુલાઈ, 2025

ત્રાસદાયક મુસાફરી માટે જેતપુર હાઈવેની સ્પર્ધામાં રાજકોટ-અમદાવાદ ધોરી માર્ગ

ગાડા માર્ગને સારો કહેવડાવે એવો ખાડા માર્ગ, રાજકોટ શહેરને જોડતા હાઈવેની બદતર હાલતથી વાહનચાલકો પરેશાન

 

રાજકોટ, તા. 30: ત્રાસદાયક મુસાફરી માટે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની સ્પર્ધામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પણ ઉતર્યો છે. ગામડાંના ગાડા માર્ગને પણ સારો કહેવડાવે એવો આ હાઈવે ખાડા માર્ગ બની ગયો છે. રાજકોટ-અમદાવાદ હાઈવે સતત વ્યસ્ત રહેતા અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે યાતના વેઠી રહ્યા છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે  રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. વરસાદ પડતાં જ રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પરથી દરરોજ હજારો ગાડીઓની અવર જવર હોય છે. આખા રોડ પર ખાડાનું સામ્રાજ્ય છે. વાહનો પસાર થાય ત્યારે રોડ શોધવો પડે છે અને ખાડા પરથી ચલાવવું પડે છે. જેને કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. સાથે અકસ્માતનો ભય રહે છે.

નામ માત્રના આ હાઈવે પર 1 કિ.મીના અંતરમાં 10થી 15 ખાડા થઈ ગયા છે. એમાં પણ બગોદરા પાસે ડામર રોડ જાણે ગાયબ જ થઈ ગયો છે, અને ફ્ક્ત ખાડા જ જોવા મળે છે. જેના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે. રવિવારે આ રોડ પર ટ્રાફિક જામ થતા વાહનો રોંગ સાઇડ પર આવવા લાગ્યા હતા જેના કારણે 4થી 5 કલાકનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આટલા સમયમાં રાજકોટથી અમદાવાદ પહોંચી જવાય છે !

ટ્રાફિક જામ અને ખાડાને કારણે વાહનોનું ઈંધણ વેડફાય છે સાથે વાહનોની કંડીશન પણ ખરાબ થઈ જતા છેવટે વાહન માલિકોએ વધારાનો ખર્ચ ખરાબ હાઈવેના પાપે ભોગવવો પડી રહ્યો છે. ખાસ કરીને લોડેડ ટ્રકની સ્થિતિ બગડી જાય છે. તેમાં રહેલા માલને પણ નુકસાન

થાય છે.

મોટા ખાડાઓમાંથી પસાર થતી વખતે વાહન ચાલકોને કમરનો દુખાવો થાય છે. વળી, આ ખાડાઓને કારણે અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાઓમાં માટી અને કપચીનું પુરાણ કરવામાં આવે છે. પરંતુ વરસાદ પડતાં જ આ પુરાણ ધોવાઈ જાય છે. આ સ્થિતિનું વહેલાસર નિવારણ લાવવા માગ ઉઠી છે.

ઇ-પેપરના નવા શુલ્ક