• મંગળવાર, 01 જુલાઈ, 2025

સોરઠમાં મેઘરાજા ગેલમાં, દામોદરકુંડ પાણીમાં ગરકાવ

ગિરનારના પગથિયાં પરથી ઝરણાં વહ્યાં,          કાળવા તથા સોનરખ નદીમાં પૂર આવ્યું

 

રાજકોટ, તા.30: દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહયો છે. એમાં પણ મેઘરાજા સોરઠ પર મનમૂકીને વરસી રહ્યા હોય એવું છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યું છે. આજે તો ગિરનાર પર ધોધમાર 4 ઇંચ વરસાદ વરસતા પગથિયાઓ પર ઝરણા વહેતા જોવા મળ્યા હતા અને ઉપરવાસના વરસાદના કારણે દામોદરકુંડ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઉપરાંત જૂનાગઢ, માણાવદરમાં ત્રણ અને વંથલીમાં બે ઈંચ પાણી વરસાવતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢના મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમજ દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પણ આજે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં બપોરથી સાંજ સુધીમાં ધીમીધારે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હજુ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ: ગિરનાર પર્વત તથા જૂનાગઢ શહેરમાં સવારથી ધીમીધારે વરસ્યા બાદ, બપોર પછી ધોધમાર સ્વરૂપે તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ગિરનાર સીડી ઉપર ધોધ સ્વરૂપે પાણી વહ્યા હતા. દામોદર કુંડ પાણીમાં ગરક થઈ ગયો હતો. કાળવા તથા સોનરખ નદીમાં પૂર આવ્યા હતા. ભવનાથ તળેટીના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે જૂનાગઢ શહેરના અનેક માર્ગો પાણીમાં ગરક થઈ જતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. ઝાંઝરડા તથા ફાર્મસી અંડરબ્રીજ બેટમાં ફેરવાયા હતા. ભારે વરસાદથી કાળવામાં પૂર આવતા કાંઠાની સોસાયટીવાસીઓ જળ હોનારતની દહેશત સેવવા લાગ્યા હતા. સાંજ સુધીમાં ગિરનાર પર્વત માળામાં ચાર ઈંચ, જૂનાગઢ, માણાવદરમાં ત્રણ ઈંચ, વંથલીમાં બે ઈંચ અને અન્યત્ર અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદથી રસ્તામાં પૂરેલા ખાડા ફરી જીવિત થયા છે જ્યારે શહેરના સોસાયટી વિસ્તારો જોષીપરા, મધુરમ, દોલતપરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાની મનપા કંટ્રોલ રૂમમાં ફરિયાદો ઉઠતા મનપાના બાંધકામ વિભાગે વિવિધ ટીમો દોડાવી પાણી નિકાલ કરાવવા દોડાવ્યા હતા.

પોરબંદર: છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે રાણાવાવ તાલુકામાં 3, કુતિયાણા તાલુકામાં 1.25 અને પોરબંદર તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં જિલ્લાના ત્રણે તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ નોંધાઇ ચૂકયો છે.

જામકંડોરણા: આજે બપોરથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જે સાંજના છ વાગ્યા સુધીમાં 29 મીમી વરસાદ પડયો હતો. આ વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

જેતપુર: આજે સવારથી જ મેઘરાજાએ વરસાદરૂપી વ્હાલ વરસાવ્યો હતો. આજે સાંજે સવા બે ઇંચ વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઇ હતી જ્યારે સીઝનનો કુલ વરસાદ 320 મીમી નોંધાયો છે. ભાદરડેમના ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ હોવાથી ડેમમાં નવા નીર આવ્યા હતા. ભાદર ડેમમાં 758 ક્યુસેક પાણીની આવક સાથે 23 ફુટ સપાટી નોંધાઇ છે.

વીરપુર:  પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું ધીમીધારે આગમન થયું હતું ત્યારબાદ સાંજના સુમારે મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. ગ્રામ્ય પંથકના થોરાળા, કાગવડ, જેપુર, હરિપુર, મેવાસા સહિત વિસ્તારોમાં મેઘરાજા વરસતા ખેડૂતોએ વાવેતર કરેલા પાક પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેમ ખેડૂતોમાં ખુશીની લાગણીઓ ફેલાઈ હતી.

ધોરાજી: સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરુ થયો હતો. જે સાંજ સુધીમાં એક ઇંચ જેટલો વરસી ગયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ઉપલેટા: છેલ્લા પાંચેક દિવસથી ચોમાસાની સીઝન સક્રિય થઇ છે રોજ સવારથી સાંજ સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી રહ્યો છે જ્યારે દિવસ દરમિયાન વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ બંધાયેલો રહે છે અને લોકો વરસાદી માહોલનો મિજાજ માણી રહ્યા છે. આજે બપોર દરમિયાન લગભગ બે કલાકની અંદર દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જામ ખંભાળિયા, દ્વારકા : જિલ્લામાં વાવણી બાદ સાર્વજનિક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આજરોજ ખંભાળિયા 46, દ્વારકા 54, કલ્યાણપુર 16 અને ભાણવડ 45 મીમી વરસાદ થયો છે. હાલ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વાવણી થઈ ગઈ હોય સને વાવણી બાદ વાવેતરની ખૂબ જ ફાયદાકારક થઈ શકે એવા વરસાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી સારો થતા ચેકડેમો છલકાઈ ગયા છે. તો કેટલાક ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ કેટલાય તળાવો પણ છલકાય ગયા છે. ખંભાળીયા શહેરમાં આજે બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેમાં રામનાથ, પોરગેઇટ, નગરગેઇટ સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને ચઢાવવામાં આવતી ધ્વજામાં પણ ભારે પવન અને વરસાદી વાતાવરણમાં વૈકલ્પિક જગ્યાએ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું.

આમરણ: આજે બપોરથી સાંજ સુધીમાં ધીમીધારે 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજુબાજુના ગામમમાં પણ વાવણી લાયક વરસાદ વરસી જતા ખેડુતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

ગોંડલ: આજે બપોરે ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. ધોધમાર વરસાદના કારણે ચારેબાજુ પાણી-પાણી થઇ ગયું હતું.

મોરબી: જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘમહેર વરસી રહી હતી. જે મોરબી અને ટંકારામાં 1 ઇંચ, વાંકાનેરમાં 12 મીમી અને હળવદમાં 7 મીમી તથા માળિયા મિંયાણામાં ઝાપટા વરસ્યા હતા. શહેરમાં એક ઇંચ વરસાદમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

માણાવદર: શહેર અને આજુબાજુના ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે નદી-નાળામાં પૂર આવ્યા હતા અને ખેતરોમાં પાણી ભરાયા હતા. રસાલા ડેમ છલોછલ ભરાઇ જતા મામલતદાર અને તેના સ્ટાફે મુલાકાત લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક