• મંગળવાર, 01 જુલાઈ, 2025

જૂનાગઢ જિલ્લા જેલમાંથી ચાર કેદીનો નાસી જવાનો પ્રયાસ નિષ્ફળ

બેરેકના સળિયાવાળી વહીવટી બિલ્ડીંગના છતમાં છૂપાયા હતા

જૂનાગઢ, તા.29: જૂનાગઢ જિલ્લા જેલમાં ગત મધરાતે ગંભીર ગુનાના ચાર કેદીઓએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો પણ જેલ તંત્રની સતર્કતાથી ચારેય કેદીઓને જેલના વહીવટી બિલ્ડીંગના ધાબા ઉપરથી ઝડપી લેવાયા હતા. આ ચારેય કેદીઓ વિસાવદર અને કેશોદ પોલીસ સ્ટેશનના પોકસો દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા છે.

આ બનાવની વિગત પ્રમાણે અહીંની જિલ્લા જેલમાં પોકસો અને દુષ્કર્મના ગંભીર ગુનામાં સંડોવાયેલા વિરેન્દ્ર ભનુભાઇ મકવાણા, ભુપત દેવજી સાવલીયા, ડાયા ચના અને અશ્વિન કાળુભાઇ મકવાણા, બંદીવાન હોય, આ ગંભીર ગુનામાં છુટી શકે તેમ ન હોવાનો ભય સતાવતો હતો.

આ ચારેય શખસોએ જેલમાથી નાસી છૂટવાનુ કાવતરું ઘડી ગત રાત્રે દોઢથી અઢી વાગ્યાના અરસામાં બેરેકના સળીયા વાળી બહાર નીકળી ગયા હતા અને જેલની વહીવટી બિલ્ડીંગની અગાસી ઉપર પહોંચી  ત્યાં છૂપાઇ ગયા હતા.

બેરેકના સળીયા વાળેલા અને ખાલી હોવાનું ડયુટી ઉપરના એસ.આર.પી. જવાનને ધ્યાને આવતા તેમણે જેલ તંત્રના સત્તાવાળાઓને જાણ કરતા, જેલ અધિક્ષક એચ.ઓ. વાળાએ જિલ્લા જેલના સ્ટાફને બોલાવી, જેલને બહારથી તથા અંદર કોર્ડન કરી, વિવિધ ટીમો દ્વારા જેલમાં બિલ્ડીંગો, વૃક્ષોનું સર્ચ (જુઓ પાનું 10)

 કરતા ચારેય બંદીવાનો જેલના વહીવટી બિલ્ડીંગના ધાબા ઉપરથી મળી આવ્યા હતા.

આ અંગે જેલ અધિક્ષક એચ.ઓ. વાળાએ જણાવ્યું કે ગંભીર ગુનામાં સંડોવાયેલા ચારેય કેદીઓએ બેરેકના સળીયા વાળી બહાર નીકળી ગયાની નાઇટ  ડયુટીના જવાનો તથા મુખ્ય ગેઇટના જવાન દ્વારા જાણ કરતા જિલ્લાનો જેલ સ્ટાફ બોલાવી લઇ કોમ્બિંગ કર્યું હતું.

ભૂતકાળમાં આ રીતે જેલના વહીવટી બિલ્ડીંગના ધાબા ઉપરથી એક કેદી નાસી જવામાં સફળ રહેતા, આ વહીવટી બિલ્ડીંગના ધાબાની તપાસ કરતા ચારેય કેદીઓ મળી આવતા તેઓની ધરપકડ કરી આ અંગે ‘એ’ ડિવિઝન પોલીસમાં ચારેય સામે જેલમાથી નાસી જવાનો પ્રયાસ તથા સરકારી મિલકતને નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક