બન્ને દેશ વચ્ચે સહમતી બની ગયાનાં અહેવાલ : સીતારમણે કહ્યું, ભારત પણ સારી અને મોટી સમજૂતી ઈચ્છે છે
ભારત-અમેરિકા
વેપાર સમજૂતીનું એક દિવસ વહેલું થશે એલાન!
નવી
દિલ્હી, તા.30: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી વિશે એક મોટા સમાચાર આવી રહ્યાં
છે. એકબાજુ દુનિયામાં ભય ફેલાયેલો છે કે, 9 જુલાઈએ ટ્રમ્પ ટેરિફની મહેતલ પૂરી થયા બાદ
અમેરિકાનાં રાષ્ટ્રપતિ શું કરશે? ત્યારે બીજીબાજુ જાણવા મળી રહ્યું છે કે, ભારત અને
અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીની તમામ શરતો ઉપર સહમતી સધાઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સમયસીમા
પૂરી થાય તેનાં એક દિવસ અગાઉ એટલે કે, 8 જુલાઈએ ઘોષણા થઈ જાય તેવી સંભાવના છે. જો કે,
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, અમેરિકા સાથે સંધિ શરતોને આધિન રહેશે.
આ સમજૂતી
માટે ભારતનાં મુખ્ય વાર્તાકાર અને વાણિજ્ય વિભાગનાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલનાં નેતૃત્વમાં
એક ટીમ વોશિંગ્ટનમાં છે. સમજૂતીને આખરી ઓપ આપવામાં આવે તે પહેલા નાણામંત્રી નિર્મલા
સીતારમણ તરફથી પણ એક મહત્ત્વનું નિવેદન કરવામાં આવ્યું છે. તેમણે સરકારનું વલણ સ્પષ્ટ
કરતાં કહ્યું હતું કે, ભારત પણ અમેરિકા સાથે એક મોટી અને સારી સમજૂતી કરવા ઈચ્છે છે
પણ તેનાં માટે શરતો પણ લાગુ થશે.
સીતારમણે
કહ્યું હતું કે, ભારતમાં કૃષિ અને ડેરી ક્ષેત્રને અમેરિકા માટે ખુલ્લા મૂકી દેવા માટે
ઘણી મર્યાદાઓ છે અને તેનાં ઉપર વિચારણા થવી આવશ્યક છે. એટલે કે ભારત આ ક્ષેત્રોમાં
અમેરિકાને કોઈ મોટી છૂટ આપવા માટે તૈયાર નથી. શુક્રવારે ટ્રમ્પે કહ્યું હતું કે, 9
જુલાઈએ નવી ટેરિફ વ્યવસ્થાની અટકાવી રાખવાની અવધિ 9 જુલાઈએ પૂરી થવાની છે અને ત્યારબાદ
કોઈને આમાં રાહત મળશે નહીં. ત્યારબાદ તેઓ મોટાભાગનાં દેશો ઉપર ટેરિફ લાગુ કરી દેવા
માગે છે. આનાં માટે એક પત્ર પણ બધા દેશોને લખવામાં આવશે કે જો તેઓ અમેરિકામાંથી ખરીદી
કરશે તો તેમણે 25-35-50 કે 10 ટકા ટેરિફ ચૂકવવો પડશે.
પાંચ
વર્ષમાં GSTની વસૂલાત બમણી થઈ
નવી
દિલ્હી, તા.30: જીએસટી કર વ્યવસ્થા લાગુ કરવામાં આવી ત્યારથી સરકારની આવકમાં ઉતરોત્તર
વધારો થઈ રહ્યો છે. જેમાં હવે જીએસટીની વસૂલાતમાં એક નવો વિક્રમ સર્જાઈ ગયો છે. નાણાકીય
વર્ષ 2025માં સરકારે જીએસટીની વિક્રમી વસૂલાત કરી છે. સરકારનો આ કરસંગ્રહ છેલ્લા પાંચ
વર્ષમાં બમણો થઈ ગયો છે.
કુલ
જીએસટી સંગ્રહ પાંચ વર્ષમાં બમણો થઈને નાણાકીય વર્ષ 2024-25માં 22.08 લાખ કરોડ રૂપિયા
થયો છે. તેની સામે વર્ષ 2020-21માં જીએસટીની વસૂલાત 11.37 લાખ કરોડ રૂપિયા જેટલી હતી.
આમ, નાણાકીય વર્ષ 2024-25માં જીએસટીની વસૂલાત અત્યાર સુધીની સર્વોચ્ચ ઉંચાઈએ પહોચી ગઈ છે. જે ગત નાણાકીય વર્ષની તુલનામાં
9.4 ટકા જેટલી વધુ છે.
નાણાકીય
વર્ષ 2024-25માં જીએસટીની સરેરાશ માસિક વસૂલાત 1.84 લાખ કરોડ રૂપિયા રહી છે. જે વર્ષ
2023-24માં 1.68 લાખ કરોડ રૂપિયા હતી અને તે પહેલા 2021-22માં 1.51 લાખ કરોડ રૂપિયા
હતી.