• મંગળવાર, 01 જુલાઈ, 2025

સુરતમાં ભેળસેળયુક્ત સોનાના દાગીના અસલી હોલમાર્ક સાથે વેંચતા 12 જબ્બે

દાગીના ઉપર 100 ટકા શુધ્ધનો સિક્કો મારી માત્ર 23 ટકા સોનું નાંખી હોલમાર્ક લગાવતા હતા

રાજકોટ, તા. ર9: વડીલો શિખામણ આપી ગયા છે કે ચળકે એટલું સોનું ન હોય, પીળું એટલું સોનું ન હોય. વડીલોની આ શિખામણ સુરતની ઘટના માટે જ અપાઈ હોય એમ લાગે છે, જ્યાં સોનાનાં અસલી દાગીનાના નામે ભેળસેળયુક્ત દાગીના અસલી હોલમાર્ક સાથે વેંચવાની પેરવીમાં રહેલા 12 શખસને પોલીસે પકડયા હતા.

સોનાંના ભાવ ખુબ વધી જતા તેમાંથી વધુ નફો ખંખેરવા કેટલાક તત્ત્વો જાતજાતના નુસ્ખા અજમાવા તરકટ કરી રહ્યા છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાંથી હોલમાર્ક ખરા પરંતુ તેમા ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના બનાવતુ કારખાનું ઝડપાયું છે. આ કારખાનામાં ઉત્પાદિત થતા દાગીના ઉપર 100% શુદ્ધનો સિક્કો મારીને તેમાં માત્ર 23 % ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો લગાવીને વેચાણ કરતા હતા. આ અંગે પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા જ્વેલરી સ્ટોરમાં નકલી સોનાની ચેઈન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું નકલી જણાતા તેણે પોલીસને જાણ કરી હતી

આ મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ વેલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં પોલીસે દરોડા પાડયા હતા. જ્યા ઘરમાં જ અસલી સોનાના નામે ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના બનાવતા હતા. પોલીસે સ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન અને હોલમાર્કના સિક્કા સહિતની સામગ્રી જપ્ત કરીને કુલ 12 આરોપીની ધરપકડ છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી વિવેક સોની સહિત 12 લોકો સાથે મળી ભેળસેળયુક્ત સોનું બનાવતા હતા. એક મહિનાથી આ કારખાનું ચલાવવામાં આવતું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક