નવી દિલ્હી, તા. 30 : ઓપરેશન સિંદૂર બાદ ભારત મોટી તૈયારીમાં લાગી ગયું છે. ભારત એક બે નહી પણ 52 સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ તમામ સેટેલાઈટ પુરી રીતે સેના માટે કામ કરશે. જેનાથી પાકિસ્તાન સહિત દુશ્મન દેશોના વિસ્તારના ખુણે ખુણે નજર રહેશે. આ ઉપરાંત સેના માટે એક વિશેષ સ્પેસ ડોકિટ્રીનને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે
સેટેલાઈટ સિસ્ટમના દમ ઉપર સફળતા સાથે પાકિસ્તાનના વિભિન્ન સૈન્ય મથકોની દેખરેખ કરી
હતી. જેનાથી સેનાને સટીક લક્ષ્ય મેળવવામાં મદદ મળી હતી. ભારત દ્વારા સેટેલાઈટ લોન્ચ
સ્પેસ બેસ્ડ સર્વેલન્સ પ્રોગ્રામના ત્રીજા તબક્કાનો હિસ્સો છે. આ પ્રોગ્રામને ગયા વર્ષે
ઓક્ટોબર મહિનામાં પીએમ મોદીના નેતૃત્વની સુરક્ષા કેબિનેટ કમિટિમાં મંજૂરી મળી હતી.
જેની કુલ પડતર 26,968 કરોડ રૂપિયા છે. આ પ્રોગ્રામ હેઠળ 21 સેટેલાઈટ ઈસરો લોન્ચ કરશે.
બાકીના 31 સેટેલાઈટ પ્રાઈવેટ કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે. પહેલા બે સેટેલાઈટ
આગામી વર્ષે એપ્રિલ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે 2029ના અંત સુધીમાં તમામ
52 સેટેલાઈટ તૈનાત કરી દેવામાં આવશે.
આ પ્રક્રિયા ડિફેન્સ સ્પેસ એજન્સીના
પ્રોજેક્ટનો હિસ્સો છે. જે રક્ષા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. સુત્રો અનુસાર
સેટેલાઈટના લોન્ચિંગને સમયસીમાના દાયરામાં રાખવાની પુરી કોશિશ કરવામાં આવી રહી છે.
વર્તમાન સમયે ત્રણ પ્રાઈવેટ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ પુરો થઈ ચુક્યો છે. આ તમામ કંપનીઓને
કામ ઝડપથી પુરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.