યુવતીએ યુપી સીએમને કરી ફરિયાદ : પ્રારંભિક પોલીસ તપાસ શરૂ
નવી
દિલ્હી, તા. 28 : આઈપીએલમાં આરસીબી તરફથી રમનારો ક્રિકેટર યશ દયાલ મોટા વિવાદમાં ફસાતો
દેખાય રહ્યો છે. ગાઝિયાબાદની રહેવાસી એક યુવતીએ યશ દયાલ ઉપર લગ્નની લાલચ આપીને શારીરીક
અને માનસિક શોષણનો ગંભીર આરોપ મુક્યો છે. યુવતીએ આ ફરિયાદ ઉત્તર પ્રદેશ સરકારની ઈન્ટીગ્રેટેડ
ગ્રિવેન્સ રિડ્રેસ સિસ્ટમ (આઈજીઆરએસ)ના માધ્યમથી મુખ્યમંત્રી ઓનલાઈન ફરીયાદ વિભાગમાં
નોંધાવી છે.
મુખ્યમંત્રી
કાર્યાલયે આ મામલાને ગંભીરતાથી લેતા ગાઝિયાબાદના સીઓ ઈન્દીરાપુરમ પાસે રિપોર્ટ માગ્યો
છે. અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે 21 જુલાઈ 2025 સુધીમાં ફરીયાદનું નિવારણ અનિવાર્ય
રૂપથી કરવામાં આવે. યુવતીએ દાવો કર્યો છે કે તેણે 14 જૂનના રોજ મહિલા હેલ્પલાઈન નંબરમાં
પણ ફરિયાદ નોંધાવી હતી. જો કે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. યુવતીએ ફરીયાદમાં કહ્યું
છે કે તે પાંચ વર્ષથી યશ દયાલ સાથે સંબંધમાં હતી. તેણે વારંવાર લગ્નનું વચન આપ્યું
હતું પણ બાદમાં ફરી ગયો હતો. આ દરમિયાન માનસિક અને શારીરીક શોષણ કર્યું હતું. હવે તે
ન્યાય ઈચ્છે છે. આ મામલે હજી સુધી યશ દયાલ કે તેના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે
આવી નથી. પોલીસ સૂત્રો અનુસાર ફરિયાદની પ્રારંભિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો
ફરિયાદ સાચી સાબિત થશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.