ભારતના 210 રનના મોટા સ્કોર સામે ઈંગ્લેન્ડની મહિલા ટીમ 113માં ઓલઆઉટ : શ્રીની ચાર વિકેટ
નોટિંઘમ,
તા. 28 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાનાએ શનિવારે ઈંગ્લેન્ડ
સામે પહેલા ટી20 મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને તેના મારફતે ટીમને 97 રને
મોટી જીત મળી હતી. સ્મૃતિ મંધાનાએ નોટિંઘમના ટ્રેંટ બ્રિજ મેદાન ઉપર તોફાની સદી કરી
હતી. તેણે 62 બોલમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગની મદદથી 112 રન કર્યા હતા. મંધાનાની આ
પહેલી ટી20 સદી છે. જેની મદદથી ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 210 રનનો સ્કોર કર્યો હતો.
બાદમાં બોલરોએ ધાક બોલાવી હતી અને ઈંગ્લેન્ડને 113 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ઈંગ્લેન્ડ
તરફથી નેટ સીવર બ્રન્ટ સિવાય કોઈપણ ખેલાડી મેદાનમાં ટકી શકી નહોતી. નેટે 66 રન કરીને
લડત આપી હતી. ભારત તરફથી શ્રી ચરનીએ ચાર વિકેટ લીધી હતી.
મેચમાં
ઈંગ્લેન્ડની મહિલા ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. જો કે આ નિર્ણય નબળો
સાબિત થયો હતો. ઓપનિંગ જોડી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત
અપાવી હતી. 77ના કુલ સ્કોરે શેફાલીના રૂપમાં પહેલી વિકેટ પડી હતી. તેણે 22 બોલમાં
20 રન કર્યા હતા. બાદમાં સ્મૃતિ મંધાના અને હરલીન દેઓલ વચ્ચે મહત્ત્વની ભાગીદારી થઈ
હતી. હરલીને 23 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 43 રન કર્યા હતા જ્યારે સ્મૃતિ મંધાનાએ ટી20
આંતરરાષ્ટ્રીયમાં પહેલી સદી ફટકારી હતી. મંધાના 62 બોલમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની
મદદથી 112 રન કરીને આઉટ થઈ હતી. હરલીન અને સ્મૃતિ વચ્ચે 94 રનની ભાગીદારી થઈ હતી. આ
મહત્વની ઈનિંગના પરિણામે ભારતનો સ્કોર 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 210 રન થયો હતો.
મોટા
સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની મહિલા ટીમ શરૂઆતથી જ દબાણમાં રહી હતી. ટીમને
પહેલી ઓવરમાં સોફિયા ડંકલે અને બીજી ઓવરમાં ડેનિયલ વેટ હોજના રૂપમાં બે ઝટકા લાગી ગયા
હતા. આ દરમિયાન કેપ્ટન નેટ સીવર બ્રન્ટે તાબડતોડ ઈનિંગ એક છેડેથી જાળવી રાખી હતી. જો
કે તેનો સાથ કોઈ આપી શક્યું નહોતું. ટેમી બિમોન્ટના રૂપમાં ત્રીજી, એમી જોન્સના રૂપમાં
ચોથી અને એલીસ કેપ્સેના રુપમાં પાંચમી વિકેટ પડી હતી. 10 ઓવરમાં ઈંગ્લેન્ડે 78 રન કરીને
પાંચ વિકેટ ગુમાવી હતી. બાદમા 14.5 ઓવરમાં 113 રને પૂરી ટીમ ઓલઆઉટ થઈ હતી અને ભારતની
97 રને જીત થઈ હતી.