• મંગળવાર, 01 જુલાઈ, 2025

ક્રેડિટ કાર્ડ, પાન કાર્ડ સહિત સાત બદલાવ આજથી લાગુ

રેલવેની મુસાફરી બનશે મોંઘી, દિલ્હીમાં જૂના વાહનોને નહીં મળે ઈંઘણ 

 

નવી દિલ્હી, તા. 30 : જુલાઈ મહિનાની શરૂઆતથી જ દેશમાં ઘણા મોટા બદલાવ પણ લાગુ થઈ જશે. જેની અસર રેલવેમાં મુસાફરી કરનારા યાત્રીઓ, ક્રેડિટ કાર્ડ યુઝર્સથી લઈને એલપીજી ઉપયોગકર્તા ઉપર જોવા મળશે. જુલાઈની શરૂઆતે રેલવેમાં મુસાફરી કરતા લોકો ઉપર ભાડામાં વધારાનો  માર પડશે તો એચડીએફસી બેંક, એસબી જેવી બેંકોના ક્રેડિટ કાર્ડ યુઝ કરતા લોકોને પણ બદલાવનો સામનો કરવો પડશે. પાન કાર્ડના આવેદન માટે સીબીડીટીનો નવો આદેશ પહેલી તારીખથી જ લાગુ થવાનો છે.

પાન કાર્ડ : પહેલી જુલાઈથી નવા પાન કાર્ડ માટે આવેદન કરવા આવેદકો માટે આધાર કાર્ડ ઓથેંટિકેશન અનિવાર્ય બનશે. અત્યાર સુધી પાનકાર્ડ માટે અપ્લાઈ કરવા કોઈપણ માન્ય ઓળખ કાર્ડ અને જન્મના પ્રમાણપત્રની જરૂરિયાત રહેતી હતી, હવે પહેલી તારીખથી નિયમ બદલાઈ જશે અને સીબીડીટી અનુસાર આધાર ઓથેન્ટિસિટી વિના પાન અપ્લાઈ થઈ શકશે નહીં.

ભારતીય રેલવે : જુલાઈ મહિનાથી ટ્રેનની ટિકિટમાં વધારો લાગુ થવાનો છે. નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં એક પૈસો પ્રતિ કિમી, એસી ક્લાસમાં બે પૈસા પ્રતિ કિમીની વૃદ્ધિની ઘોષણા થઈ છે. 500 કિમી સુધીની યાત્રા માટે સેકન્ડ ક્લાસ ટ્રેનની ટિકિટની કિંમતમાં કોઈ વધારો થયો નથી. જો મુસાફરી 500 કિમીથી વધુ હશે તો પ્રતિ કિમી અડધો પૈસો વધુ ચુકવવો પડશે.

તત્કાળ ટિકિટ બુકિંગ : 1 જુલાઈથી તત્કાળ ટિકિટ બુકિંગ માટે અનુમતિ માત્ર એવા યુઝર્સને જ હશે જેણે પોતાના આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધાર કાર્ડ ઓથેન્ટિકેશન કરાવ્યું છે. તત્કાળ ટિકિટ બુકિંગમાં ચાલતા ગોટાળાને રોકવા માટે તત્કાળ ટિકિટ બુકિંગ નિયમોમાં બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એલપીજી સિલિન્ડર : દર મહિનાની જેમ જુલાઈ મહિનાના પહેલા દિવસે લોકોની નજર એલપીજી સિલિન્ડરની કિંમતમાં થનારા બદલાવ ઉપર રહેશે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા થનારો બદલાવ રસોઈના બજેટ સાથે જોડાયેલો છે. છેલ્લા અમુક સમયથી કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફારો કર્યા છે પણ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત જાળવી રાખી છે.      

હવાઈ યાત્રા : જુલાઈની શરૂઆતે ઓઈલ કંપનીઓ એર ટર્બાઈન ફયુલની કિંમતમાં પણ સંશોધન કરશે. જેમાં વધારા ઘટાડાની સીધી અસર એરલાઈન્સમાં મુસાફરી કરતા લોકો ઉપર પડશે. ગયા મહિને કંપનીઓએ એટીએફ ઈંધણની કિંમત ઘટાડી હતી. દિલ્હીમાં કાપ બાદ એટીએફની કિંમત 73,072.55 રૂપિયા પ્રતિ કિલોલીટર રહી હતી.

દિલ્હીના વાહન ચાલકો માટે : જુલાઈની શરૂઆતે દિલ્હીના વાહન ચાલકો ઉપર અસર જોવા પડશે કારણ કે પહેલી જુલાઈથી જૂના વાહનોને પેટ્રોલ પંપ ઉપર ડીઝલ અને પેટ્રોલ ન આપવાનું એલાન થયું છે. કમિશન ફોર એર ક્વોલિટિ મેનેજમેન્ટ મુજબ 10 વર્ષથી જૂના ડીઝલ અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનોને પેટ્રોલ પંપ ઉપરથી ઈંઘણ મળી શકશે નહી.

બેકિંગ સેક્ટર : એચડીએફસી ક્રેડિટકાર્ડ યુઝર્સ માટે જુલાઈની શરૂઆત ખર્ચમાં વધારા સાથે થવાની છે. આઈસીઆઈસીઆઈ બેંક એટીએમ યુઝર્સને પણ ઝટકો લાગશે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ યુઝર્સે યુટિલિટી બિલ પેમેન્ટ કરવા ઉપર એકસ્ટ્રા ફી આપવી પડશે. સાથે ક્રેડિટ કાર્ડથી ડિજીટલ વોલેટ્સમાં મહિનાભરમાં 10,000થી વધારે રૂપિયા જમા કરવા ઉપર એક ટકા ચાર્જ લાગશે. આઈસીઆઈસીઆઈ બેંક એટીએમમાંથી હવે મેટ્રો સિટીઝમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ કરવામાં આવેલા ઊડ ઉપર 23 રૂપિયા ચાર્જ લાગશે. આઈએમપીએસ ટ્રાન્સફર ઉપર પણ નવો ચાર્જ લાગુ થઈ રહ્યો છે. 1000 રૂપિયા સુધીના વ્યવહાર ઉપર 2.50 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન, તેનાથી વધુ અને એક લાખ સુધીના ટ્રાન્સફર ઉપર પાંચ રૂપિયા અને એક લાખથી પાંચ લાખ વચ્ચેના વ્યવહાર ઉપર 15 રૂપિયા ચાર્જ લાગશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક