• મંગળવાર, 01 જુલાઈ, 2025

રાજકોટ- જેતપુર સિક્સ લેનના કામમાં બ્રિજ બનાવવાની 40 પ્લેટની ઉઠાંતરી

જામવાડી બ્રિજ પાસેનો બનાવ : તસ્કરો બોલેરોમાં ઉઠાવી ગયા

 

ગોંડલ: રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇ વેના ચાલતા કામ પર તસ્કરો ત્રાટકયા, જામવાડી પાસે ચાલતી સાઈટ પરથી તસ્કરો રૂ. 95 હજારની 40 પ્લેટ ઉઠાવી નાસી છૂટતાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે રાજકોટમાં ન્યુ રામેશ્વર સોસાયટી શેરીમાં રહેતાં હિરાભાઇ દેવદાનભાઈ ડાંગરે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પ્રશાંત કંટ્રક્શન એન્ડ બિલ્ડર્સ નામની પેઢી વીસેક વર્ષથી ચલાવે છે. નેશનલ હાઇ વે ઓથોરિટીના રાજકોટથી જેતપુર જતા નેશનલ હાઇ વેમાં બ્રિજ બનાવવાના પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.રાજકોટથી જેતપુર જતા નેશનલ હાઇ વેમાં તેઓએ વીસેક બ્રિજનું કામ રાખ્યું છે.

ગઇ તા.24 ના તેઓ ઘરે રાજકોટ ખાતે હતા,ં ત્યારે સવારમાં સાઇટ પરથી તેમના ભત્રીજા વિમલભાઇ ડાંગરે જામવાડી ગામે બ્રિજનું કામ ચાલુ હોય ત્યાંથી રાત્રે લોખંડની એકો પ્લેટની ચોરી થઇ હોવાની જાણ કરી હતી.મોટી લોખંડની આશરે 25 પ્લેટ તથા નાની લોખંડની આશરે 16 પ્લેટ એમ કુલ આશરે ચાલીસેક જેવી લોખંડની પ્લેટ ચોરી થઇ  છે.

આ બાબતની જાણ સાઇટ મેનેજ2 વિજયભાઇ રાઠોડને કરાઈ હતી. આશરે સો જેટલી લોખંડની પ્લેટ પડી હતી, જેમાથી આશરે ચાલીસેક પ્લેટ ચોરી થઇ હોવાનું મેનેજરે જણાવ્યું હતું. આજુબાજુ તપાસ કરતા પ્લેટ જોવામાં મળી નહી, જેથી સાઇટ ઉપર રાખેલ કેમેરા ચેક કરતા તા.24 ના રાત્રીના બે વાગ્યે એક સફેદ કલરની પિકઅપ બોલેરો ગાડીમાં આ રૂ.95 હજારની લોખંડની પ્લેટ ભરી, ચોરી કરીને લઈ જતા શખસો જોવા મળ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક