આજથી
ત્રીજો ટેસ્ટ : બુમરાહના આગમનથી ભારતની બોલિંગ વધુ મજબૂત
ઘરેલુ
પરિસ્થિતિ અને ઝડપી પિચ સાથે ઇંગ્લેન્ડે રણનીતિ બદલી
લંડન,
તા.9: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની તેંડુલકર-એન્ડરસન ટેસ્ટ શ્રેણી હાલ 1-1ની
બરાબરી પર છે. હવે બન્ને ટીમ ગુરુવારથી લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ત્રીજા ટેસ્ટમાં
આમને-સામને હશે. જયાં જીત મેળવનાર ટીમને 2-1ની સરસાઇ મળશે. પહેલા ટેસ્ટની આંચકારૂપ
હાર બાદ ટીમ ઇન્ડિયાએ બીજા ટેસ્ટમાં શાનદાર વાપસી કરીને વિદેશી ધરતી પર 336 રનના અંતરથી
સૌથી મોટી જીત મેળવી હતી. આથી યુવા કપ્તાન શુભમન ગિલની ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે.
બીજી તરફ એજબેસ્ટન ટેસ્ટની હારથી બેન સ્ટોકસની ટીમ હતપ્રભ છે. તેનો ઇરાદો લોર્ડસ ટેસ્ટની
ઝડપી અને ઉછાળ ધરાવતી પિચ પર ભારતીય ટીમ સામે વળતો પ્રહાર કરવાનો છે, પણ તેમની રાહ
કઠિન છે કારણ કે ટીમ ઇન્ડિયાના બેટર્સ અને બોલર્સ શાનદાર ફોર્મમાં છે અને લોર્ડસમાં
બુમરાહ વાપસી કરી રહ્યો છે. લોર્ડસ ટેસ્ટ દરમિયાન વરસાદના વિઘ્નની સંભાવના છે. મેચ
ભારતીય સમય અનુસાર ગુરુવારે બપોરે 3-30થી શરૂ થશે.
ઇંગ્લેન્ડ
ટીમ હવે રણનીતિ બદલી રહી છે અને ઘરેલુ પરિસ્થિતિ અને બાઉન્સી પીચ પર ભારતીય ટીમને ઘેરવા
કમરકસી રહી છે. પોતાના ફાસ્ટ બોલિંગ યુનિટમાં પણ ફેરફાર કર્યો છે. જોશ ટંગના સ્થાને
જોફ્રા આર્ચરનો સમાવેશ કરીને ઝડપી બોલિંગ વધુ મજબૂત કરવાની કોશિશ કરી છે. જો કે આ મામલે
ભારતનો હાથ ઉપર રહેશે. કારણ કે ભારતીય ઇલેવનમાં બુમરાહની વાપસી થશે. આથી લોર્ડસની જીવંત
પીચ પર બુમરાહના સાથેમાં સિરાજ અને આકાશનો સામનો કરવો ઇંગ્લીશ બેટર્સ માટે અગ્નિપરીક્ષા
બની રહેશે. બુમરાહની અનુપસ્થિતિમાં આકાશ-સિરાજે મળી બીજા ટેસ્ટમાં 17 વિકેટ ઝડપીને
ભારતને જીત અપાવી હતી.
મંગળવારે
ટીમ ઇન્ડિયાનો વૈકલ્પિક અભ્યાસ સત્ર હતો. જેમાં બુમરાહે એક કલાક સુધી બોલિંગ પ્રેક્ટિસ
કરી હતી. જે દરમિયાન તેની ઝડપી અને ધાર જબરદસ્ત રહી હતી. ભારતીય ઇલેવમાં સ્પિનર વોશિંગ્ટન
સુંદરના સ્થાને બુમરાહનો લગભગ સમાવેશ થશે. આથી ભારતીય ઇલેવનમાં ચાર ઝડપી બોલર હશે.
જેનો સામનો કરવો લોર્ડસની બાઉન્સી વિકેટ પર ઇંગ્લેન્ડ માટે કઠિન બની રહેશે.
ત્રીજા
ટેસ્ટમાં ભારતીય કપ્તાન શુભમન ગિલની બેટિંગ પર સહુની નજર રહેશે. તે શ્રેણીમાં 3 સદીથી
પ00 ઉપર રન કરી ચૂક્યો છે. તેની પાસે એકથી વધુ વિક્રમ ધ્વંશ કરવાની તક છે. ભારતની ચિંતા
વાપસી કરનાર કરુણ નાયરનું નબળુ ફોર્મ છે. આમ છતાં લોર્ડસમાં પણ તે ત્રીજા નંબર પર બેટિંગ
કરતો જોવા મળશે.
બીજી
તરફ ઇંગ્લેન્ડને તેના સૌથી અનુભવી બેટર જો રૂટ પાસેથી મોટી ઇનિંગની અને ઓપનર જેક ક્રાઉલી
જવાબદારીથી બેટિંગ કરે તેવી આશા રહેશે. કપ્તાન સ્ટોકસ માટે પણ બેટથી કમાલ કરવાનો સમય
આવી ગયો છે. ભારતીય બોલરો સામે હેરી બ્રુક અને જેમી સ્મિથ પર બ્રેક મુકવાનો પડકાર બની
રહેશે.