-પીએમ
મોદીને અપાયું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન : વિદેશ પ્રવાસના અંતિમ પડાવમાં પીએમ નામીબિયા
પહોંચ્યા
નવી
દિલ્હી, તા. 9 : બ્રાઝિલ બ્રાઝિલની સત્તાવાર યાત્રાએ પીએમ મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ
લૂલા દ સિલ્વા વચ્ચે મંગળવારે મોડી રાત્રે દ્વિપક્ષીય વાતચીત અને પ્રતિનિધિમંડળ સ્તરની
વાતચીત બાદ દરેક ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા અને બન્ને દેશના લોકો વચ્ચે
પરસ્પર સંપર્ક અને વ્યવસાયીક સંબંધોને પ્રોત્સાહન આપવાના લક્ષ્યને મેળવવા માટે ત્રણ
સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન બ્રાઝિલે પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ
કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સદર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ
કહ્યું હતું કે આ 140 કરોડ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે. વધુમાં કહ્યું હતું કે બન્ને
દેશ વચ્ચે જે સમજૂતિ થઈ છે તેનાથી ગ્રીન ગોલ્સને નવી દિશા અને ગતિ મળશે. આતંકવાદ સામેની
લડાઈમાં પણ બન્ને દેશના વિચારો સમાન છે.
બ્રાઝિલ
બાદ પીએમ મોદી નામીબિયા પહોંચ્યા હતા. નમીબિયાના રાષ્ટ્રપતિ નંદ નદૈતવાહના નિમંત્રણ
ઉપર પીએમ મોદી યાત્રા કરી રહ્યા છે. જયાં તેમનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં
આવ્યું હતું. પીએમ મોદીની આ પહેલી નામીબિયાની યાત્રા છે, જ્યારે ભારતથી ત્રીજી વખત
વડાપ્રધાન આ દેશની યાત્રા કરી રહ્યા છે. વિદેશ પ્રવાસે ગયેલા પીએમ મોદીનો અંતિમ પડાવ
નામીબિયા છે. જ્યાંથી તેઓ ભારત પરત ફરશે.
આ અગાઉ
બ્રાઝિલના પ્રવાસે પીએમ મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દ સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય
બેઠક થઈ હતી. આ દરમિયાન બન્ને દેશના અધિકારીઓએ પીએમ મોદી અને લૂલા દ સિલ્વાની હાજરીમાં
આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને સંગઠીત અપરાધનો સામનો કરવા સહયોગ ઉપર સમજૂતિ, વર્ગીકૃત સૂચનાઓના
આદાન પ્રદાન અને નાગરીક મામલામાં પરસ્પર કાનૂની સહાયતાની સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા
હતા. તેમજ નવીકરણીય ઊર્જામાં સહયોગ સમજૂતિ, બ્રાઝિલના કૃષિ વિભાગ અને ભારતના કૃષિ અનુસંધાન
પરિષદ વચ્ચે એમઓયુ, ડિજીટલ પરિવર્તન માટે સહયોગ અને બૌદ્વિક સંપદાના ક્ષેત્રમાં સહયોગ
માટે એમઓયુ થયા હતા.