• શુક્રવાર, 11 જુલાઈ, 2025

વિંછીયામાં એડવોકેટના પિતાને મારી નાખવાની ધમકી, ઘર પર પથ્થરમારો

સરપંચ સાથે અદાવત હોય તેની સાથે રાખેલી મિત્રતા કારણભૂત : ફરિયાદ  

રાજકોટ તા.9 : વિંછીયામાં સરપંચ સાથે માથાકૂટ થયા બાદ તેની સાથે સંબંધ રાખતા યુવકના ઘરે ધસી જઈ શખસે પથ્થરમારો કરી મારી નાખવાની ધમકી આપતા વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

બનાવ અંગે વિંછીયાના બોડીવાળા ચોકમાં રહેતા એડવોકેટ દિનેશભાઇ દેવાભાઇ રાજપરા ઉ.30એ વિંછીયાના જ વતની રાકેશ જેન્તી રાજપરા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગતરાત્રીના તેમના પિતા દેવાભાઈ પોપટભાઈ રાજપરા, મોટાભાઇ કલ્પેશભાઈ,  નાનાભાઈ રામજીભાઈ તથા ઘરના સભ્યો ઘરે હતા ત્યારે રાકેશ બાઈકમાં ધસી આવ્યો હતો અને બોલતો હતો કે, વિંછીયા સરપંચ ચતુરભાઇ રાજપરાને થોડાક દિવસ પહેલા મારા કાકા અશોકભાઇએ માર માર્યો હતો તેમ દેવાભાઈને મારવા છે, દેવાભાઈ અને ચતુરભાઇ બંન્ને સાથે ફરે છે અને બન્ને મિત્ર છે તેમ કહી ગાળો બોલતો હતો બાદમાં તેણે રાકેશને ગાળો દેવાની ના પાડતા રાકેશ ઉશ્કેરાયો હતો અને છુટા પથ્થરના ઘા ઘર પર કર્યા હતાં દરમિયાન પાડોશીઓ એકત્રિત થતા રાકેશ ત્યાંથી જતો રહ્યો હતો અને જતા-જતા આજે તો દેવાભાઈ બચી ગયા પરંતુ હવે પછી એકલા મળશે તો જાનથી મારી નાખવા છે તેવી ધમકી આપી હતી ચતુરભાઈ તથા તેના પિતા દેવાભાઈ બન્ને મિત્ર હોય તે બાબતનો ખાર રાખી ગાળો આપી, છુટા પથ્થરના ઘા કરી, જાનથી મારી નાખવાની ઘમકી આપતા વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક