• મંગળવાર, 18 જૂન, 2024

માતાએ 500 રૂા. આપવાની ના પાડતા કપાતરે ઘર સળગાવ્યું

સુરેન્દ્રનગરનાં કઠાડા ગામે ઘટના: આગથી ગેસનો બાટલો ફાટતા ઘરવખરી ખાખ

ખારાઘોડા, સુરેન્દ્રનગર, તા.19 : દસાડા તાબેનાં કઠાડા ગામે માતાએ રૂ.પ00 આપવાનો ઇનકાર કરતા નરાધમ પુત્રએ ઘરમાં આગ ચાંપી દેતાં ઘરની તમામ ધરવખરી બળીને ખાક થઈ ગઈ હતી અને માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. પોલીસે નરાધમ પુત્ર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, કઠાડા ગામે રહેતા મયુર ખેમાભાઈ મકવાણા નામના શખસે તેનાં ઘેર પહોંચી માતા પાસે રૂ.પ00ની માગણી કરતા માતાએ ઈનકાર કરતાં મયુર ઉશ્કેરાયો હતો અને ઘરમાં આગ ચાંપી દીધી હતી અને ઘરમાં રહેલો ગેસનો બાટલો આગની ઝપટમાં આવતાં ફાટયો હતો અને જેનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ બનાવ અંગેની જાણ થતા આસપાસના રહેવાસીઓ દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમતના અંતે આગ બુઝાવવામાં સફળતા મળી હતી. આ આગનાં કારણે ઘરની તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી અને મયુર માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. આ અંગે પોલીસે ખેમાભાઈ મકવાણાની ફરિયાદ પરથી મયુર સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક