• મંગળવાર, 01 જુલાઈ, 2025

પહેલું સુખ તે જાતે નર્યાં... ‘ફૂલછાબ’નો સ્વાસ્થ્ય સંવાદ સંપન્ન

ક્ષ          ‘ફૂલછાબ’ અને IMAના સ્વાસ્થ્ય સંવાદમાં આવેલા લોકોને મળ્યું અત્યંત ઉપયોગી માર્ગદર્શન

 

રાજકોટ તા. 30 : (ફૂલછાબ ન્યૂઝ) ફૂલછાબે તા. 29મી જૂને રાજકોટમાં રોટરી મીડટાઉન સંચાલિત લલિતાલય હોસ્પિટલ ખાતે યોજેલા સ્વાસ્થ્ય સંવાદમાં ઉપસ્થિત શહેરીજનો- ફૂલછાબના વાચકોને વિવિધ બીમારી, તેની આગોતરી સારવાર કે સાવચેતી માટે અત્યંત મહત્વનું માર્ગદર્શન મળ્યું હતું. સૌરાષ્ટ્રના તબીબી ક્ષેત્રના નામાંકિત ડોક્ટર્સે પોતપોતાની શાખા સંદર્ભે વિગતે વાત કરી હતી. કોઈ બીમારી ન થાય તે માટે શું સતર્કતા રાખવી અને જો શરીરમાં બીમારી પ્રવેશે તો શું સારવાર લેવી તેની સચોટ માહિતી સૌએ આપી હતી. હૃદયરોગ, કેન્સર,પાચનતંત્ર, માનસિક બીમારી, કરોડરજ્જુ, બાળકોમાં વધતી મેદસ્વિતા સહિતના વિષયો ઉપર ડોક્ટરોએ વક્તવ્યો આપ્યાં. સવારે સવા દસે શરુ થયેલો આ સેમિનાર સવા વાગ્યે સંપન્ન થયો ત્યાં સુધી સૌ કોઈ જિજ્ઞાસાપૂર્વક બેઠા હતા.

તમામ ડોક્ટર્સની શાખા અલગ છે પરંતુ તેમનો સંદેશ એક જ હતો કે નિયમીત જીવન જીવો, વ્યસન બંધ કરો, પૂરતી ઊંઘ લો

અને જરુર જણાય ત્યારે તરત શરીરની તપાસ કરાવો. સ્વાસ્થ્ય સંવાદ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ફૂલછાબના મેનેજર નરેન્દ્ર ઝીબાએ કર્યું હતું અને ફૂલછાબની માનવસેવાની પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી. તંત્રી જ્વલંત છાયાએ કહ્યું કે આપણે વારંવાર બીમારીની ચર્ચા કરીએ છીએ વાસ્તવમાં સારવાર વિશે વિચારવું જોઈએ.

રોટરી મીડટાઉન રાજકોટના સભાગૃહમાં યોજાયેલા આ સેમિનારમાં થયેલી ચર્ચા અને માર્ગદર્શનની વાતોને લોકોએ આવકારી હતી. ફૂલછાબના આ પ્રયાસને તમામ ડોક્ટર્સે બિરદાવીને ભવિષ્યમાં આવા આયોજનો કરતા રહેવું જોઈએ તેવું કહ્યું હતું. ડોક્ટર્સ ડે 1 જુલાઈએ ઊજવાય છે પરંતુ ફૂલછાબે બે દિવસ અગાઉ તેની ઉજવણી કરી લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક