• મંગળવાર, 01 જુલાઈ, 2025

ગિરનારના સાવજો જંગલ છોડી માનવ વસાહતમાં વિહરવા લાગ્યા ! ગ્રામ્ય વિસ્તાર અને જૂનાગઢની સોસાયટીઓમાં લટાર મારતા ભય

જૂનાગઢ, તા.28: ચોમાસાના પ્રારંભે ગિરનારમાં વસવાટ કરતા સાવજો મચ્છરો તથા અન્ય જીવજંતુઓના ત્રાસથી કંટાળી માનવ વસાહતમાં વિહરવા લાગતા લોકોમાં ભય છવાયો છે. રાત્રીના ઘર બહાર નીકળવામાં બીક અનુભવાય છે આ સાવજો દરરોજ પશુઓના મારણ કરવા લાગ્યા છે, તેનાથી વનતંત્ર વિમાસણમાં મુકાયું છે. વનરાજો ઉપર વોચ રાખવા ચાર ટીમ બનાવાય છે.

ગિરનાર જંગલમાં 456ાu વધુ વનરાજો તથા 100થી વધુ દીપડાઓનો વસવાટ છે. ચોમાસાને કારણે વનરાઇઓએ લીલીચાદર ઓઢી છે. જમીનમાં ઘાસ ઉગી નીકળ્યું છે તેથી મચ્છરો સહિતનો ઉપદ્રવ વધ્યો છે તે વન્ય પ્રાણીઓને પરેશાન કરી રહ્યું છે. તેથી સાવજ-દીપડા જંગલ બહાર નીકળવા મજબૂર બન્યા છે.

જંગલને અડીને આવેલ  સોસાયટીઓ , ગામોમાં સિંહ-દીપડા આટાફેરા શરૂ થયા છે. અત્યાર સુધી એક-બે સાવજો લટાર મારતા હતા.

હવે ટોળામાં માનવ વસવાટમાં વિહરવા લાગ્યા છે. તેમાં ગિરનારને અડીને આવેલ વાળંદ સોસાયટી, કામદાર સોસાયટી, ભવનાથ, દોલતપરા, પાદરીયા, પ્લાસવા, વિજાપુર, તોરણીયા, ડુંગરપુર સહિતના ગામમાં સાવજોની આંટાફેરા વધ્યા છે.

માનવ વસાહતમાં જંગલના રાજા ઉતરતા લોકોમાં ભય છવાયો છે રાત પડયા પછી ઘરની બહાર નીકળવામાં બીક અનુભવાય છે. આ વનરાજો પશુઓના મારણ કરવા લાગ્યા છે. તેથી પશુપાલકો ચિંતામાં મુકાયા છે. બધા પશુ ચાલકો પાસે પોતાના પશુઓને સુરક્ષિત માટે સુવિધા પણ નથી.

માનવ વસાહતમાં ઉતરી પશુઓના શિકાર કરવા લાગતા વન વિભાગે સાવજો ઉપર વોચ રાખવા માટે ચાર ટીમોની રચના કરી છે. સાવજ ઉપરથી ટીમના નામ પણ એસ-વનથી ફોર નામ અપાયા છે. આ ટીમ દિવસ-રાત સિંહોની હિલચાલ ઉપર નજર રાખી રહી છે.

પરંતુ આ ટીમ સાવજો ઉપર નજર રાખવામાં સફળ થતા નથી. કારણ કે જંગલનો રાજા ક્યાં કયારે હોય અને કેટલા ગ્રુપ છે, તેમાં કોના ઉપર નજર રાખે ? વન કર્મીઓ પણ એકલા જંગલમાં નીકળતા ભય અનુભવે છે ત્યારે આ ટીમ માત્ર લોકોના સંતોષ માટે કાર્યરત છે. કયારેક મારણના મેસેજ મળે તો ત્યાં દોડી જાય છે અને જાનવરોને દૂર ભગાડવાનું કામ કરે છે.

ચોમાસાના ચાર માસ સાવજોની આ સમસ્યા રહેનાર છે, તેથી હવે સોસાયટી અને ગ્રામજનો પાંજરા મુકવા માગણી કરે છે. પણ મુકત રીતે વિહરતા સાવજો હવે શિકારની લાલચમાં પીંજરે પુરાઇ તેવી સંભાવના ઓછી છે તેમાં પાદરીયા-પ્લસાવા, લીરબાઇપરા, ગ્રોફેડ વિસ્તારમાં તો હવે એક સાથે 8 થી 10 સાવજોના ટોળા વિહરતા થયા છે. આ માટે લોકોએ સચેત રહેવા સિવાય કોઇ ઉકેલ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક